દિલ્હી-

પેટ્રોલના ભાવો પ્રતિ લિટરે રૂપિયા 100ને પાર થઈ ગયા છે. રાજસ્થાનમાં સો રૂપિયાથી વધારે ભાવ છે જ્યારે મધ્યપ્રદેશમાં તેના ભાવ 99.9 રૂપિયા છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પ્રિમિયમ પ્રકારના પેટ્રોલના ભાવો પ્રતિ લિટરે રૂપિયા 100ને વટાવી ગયા છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવો પ્રતિ લિટરે રૂપિયા 18 વધી ગયા છે અને ડિઝલના ભાવો પ્રતિ લિટરે રૂપિયા 15 વધી ગયા છે. 

કેટલાક રાજ્યોમાં લિટરે પાંચ રૂપિયાનો ઘટાડો જાહેર કરાયો છે. બધાને એક વાતનું અચરજ થવું જોઈએ કે, આંતરરાષ્ટ્રીયસ્તરે કાચા તેલના જે ભાવો છે, તે પ્રમાણે ભારતમાં ઈંધણના ભાવો શા માટે નથી. એક દાખલો લઈએ કે, વર્ષ 2013માં જ્યારે આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રુડ ઓઈલના ભાવો પ્રતિ બેરલ 110 ડોલર્સ હતા ત્યારે ભારતમાં આપણે પેટ્રોલના ભાવો પ્રતિ લિટરે રૂપિયા 86 ચૂકવતા હતા જ્યારે હાલમાં એ જ ભાવ આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રતિ બેરલ 55 ડોલર્સ છે, ત્યારે આપણે લિટરે 100 રૂપિયા ચૂકવવા પડે છે. 

પેટ્રોલના ભાવોની આંટીઘૂંટી સમજવા માટે તમારે એ સમજવું જરૂરી છે કે, પેટ્રોલની જે કિંમત આપણે ચૂકવીએ છીએ એનો 70 ટકા હિસ્સો ફિક્સ હોય છે, જેમાં ટેક્સ સહિતના અન્ય ચાર્જીસ સામેલ હોય છે, જ્યારે બાકીનો 30 ટકા હિસ્સો જ આંતરરાષ્ટ્રીયસ્તરના ક્રુડના ભાવોને આધીન હોય છે. 

રીફાઈનર દ્વારા જે ભાવે ઓઈલ કંપનીઓને ક્રુડ સપ્લાય થાય છે, એને ગેઈટ પ્રાઈસ કહેવાય છે જે આંતરરાષ્ટ્રીયસ્તરના ભાવોની પંદર દિવસની સરેરાશને આધીન હોય છે અને સાથે મોકલવાનું ભાડું, વિમો વગેરે બાબતોનો ચાર્જ એમાં ઉમેરાય છે. ત્યારબાદ આ ભાવોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ટેક્સ ઉમેરાય છે, તથા ડિલરોનું કમિશન પણ ઉમેરાય છે અને આમ આખરે રીટેલ પ્રાઈસ એટલે કે છૂટક ભાવ નક્કી થાય છે. 

આ ભાવો કેવી રીતે નક્કી થાય છે, તેનું એક નાનું ઉદાહરણ અહીં આપ્યું છેઃ

વિગત                        ભાવ

મૂળ ભાવ                    29.30

ભાડુ                            0.40

ડિલરની કિંમત             29.70

એક્સાઈઝ ડ્યુટી          33.0

ડિલરનું કમિશન           03.69

વેટ                            19.92

છૂટક કિંમત                 86.30