વડોદરા, તા.૩ 

વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એવી સયાજી હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ હોસ્પિટલના વોર્ડ નં.ર૪ના એક્સ-રે વિભાગમાં વરસો જૂના ત્રણ મશીનો કાર્યરત છે. જાે કે, આ એક્સ-રે મશીનોની સાથે અન્ય ત્રણ એક્સ-રે મશીનો આવીને પડયા છે પરંતુ આ નવીન મશીનોની કનેક્ટિવિટી તેમજ ઈન્સ્ટોલેશનની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી હોવાથી જૂના એક્સ-રે મશીનો બંધ કરવામાં આવ્યા છે. આ સાથે સોનોગ્રાફી મશીન પણ કેટલાક દિવસથી યાંત્રિક ખામીને કારણે બંધ હોવાથી એક્સ-રે અને સોનોગ્રાફીના તમામ દર્દીઓને હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના કોવિડ સેન્ટરના નીચે કાર્યરત એક્સ-રે રૂમમાં મોકલી આપવામાં આવે છે. જેના કારણે તાત્કાલિક સારવાર વિભાગના ઈમરજન્સી દર્દીઓ તથા વોર્ડમાં દાખલ દર્દીઓ એકસાથે ભેગા થઈ જતાં ભારે ભીડ જામી રહી છે. એટલું જ નહિ, આ તાત્કાલિક સારવાર વિભાગમાં કોવિડ-૧૯નું મુખ્ય સેન્ટર આવેલ છે અને કોરોનાના પોઝિટિવ, શંકાસ્પ્દ તેમજ અત્યંત ક્રિટિકલ દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે ઈમરજન્સી વિભાગમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જાેવા મળી રહ્યો છે જેથી અન્ય દર્દીઓ કોરોના સંક્રમિત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

તાત્કાલિક સારવાર વિભાગમાં હાલના તબક્કે એક એક્સ-રે મશીન અને સોનોગ્રાફી મશીન કાર્યરત હોવાથી તબીબો ઈમરજન્સી તેમજ વોર્ડના દર્દીઓને જેમાં ખાસ કરીને સગર્ભા મહિલાઓને મોકલી આપવામાં આવતાં દર્દીઓનો જમાવડો થઈ જતો હોય છે જેથી કોરોના સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહિ, તાત્કાલિક સારવાર વિભાગમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવેલું હોઈ સેન્ટરમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર કોરોનાના દર્દીઓના મૃતદેહને એક્સ-રે રૂમની સાથે ડેડબોડી મુકવા માટેનું નાનું કેબિન બનાવવામાં આવેલ છે જેમાં બોડીઓ પણ મુકવામાં આવી રહી છે. જેના પરિણામે એક્સ-રે અને સોનોગ્રાફી કરાવવા આવનાર દર્દીઓમાં તેમજ આ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં એક પ્રકારનો કોરોના સંક્રમિત થવાનો ભય સતાવી રહ્યો છે.