વડોદરા : ફતેગંજ પોલીસ મથકમાં જ મોતને ઘાટ ઉતારાયા હોવાનું મનાતા શેખ બાબુના મામલામાં હવે માનવ અધિકાર પંચે પણ ગંભીર નોંધ લીધી હોવાથી અત્રેની અદાલત સમક્ષ મૃતક શેખ બાબુના પુત્ર, પત્ની અને ભાઈના નિવેદન લેવાયા હતા. પરિવારજનોએ ફતેગંજના પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનો જે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ઉપરાંત અન્ય એક પીએસઆઈ રાઠોડની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના પુરાવા અદાલત સમક્ષ રજૂ કરી એમની સામે પણ કડક પગલાં લેવાની માગ કરી હતી. 

મૃતક શેખ બાબુના પરિવારે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કર્યા બાદ વડોદરા પોલીસે ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ગોહિલ, પીએસઆઈ રબારી સહિત ચાર પોલીસ જવાનો સામે હત્યાનો ગુનો નોંધાયોહ તો. આરોપીઓ લાંબા સમય સુધી પોલીસની પહોંચની બહાર રહેતા માનવ અધિકાર પંચ સમક્ષ પણ શેખ બાબુના પરિવારે ન્યાય માટે ધા નાખી હતી. માનવ અધિકારી પંચે પણ ઘટનાની ગંભીરતા જાેતાં મૃતકના પરિવારજનોનું વડોદરાની અદાલતમાં જજ સમક્ષ નિવેદન લેવા માટેની સૂચના આપી હતી એ મુજબ આજે ત્રણેયનું નિવેદન લેવાયું હતું.

શહેરના ફતેગંજ પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુના પરિવારના ત્રણ સભ્યોને અત્રેની અદાલતમાં હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. પૂછપરછ માટે ડિસેમ્બર માસમાં બોલાવાયેલા શેખ બાબુની પોલીસ મથકમાં જ હત્યા કરવા બદલ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનો હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે પરિવારજનોની હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ બાદ અદાલતની કડક સૂચના બાદ વડોદરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી હતી અને તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી. હાજર થયેલા છ આરોપીઓ પાસેથી સીઆઈડીની પૂછપરછ દરમિયાન મહત્ત્વની હકીકતો બહાર નહીં લાવી શકી હોવાનો આરોપ મૃતક શેખ બાબુના પરિવારજનોએ કર્યો હતો.

જાે કે, અત્રેની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં આગામી તા.૧૨-૧૦ના રોજ શેખ બાબુની પત્ની આબેદાબેગમ, ભાઈ ઈબ્રાહિમ ખાન અને પુત્ર સલીમ શેખને કોર્ટમાં નિવેદન માટે હાજર રહેવાની નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવાયું કે બિનચૂકે આ તારીખે અદાલતમાં ત્રણેય જણાએ હાજર રહી ઘટના અંગેની માહિતી અને કાગળો પુરાવારૂપે રજૂ કરી શકશે. આમ ૧૨મી તારીખ પછી અદાલતમાં મામલો ઝડપથી ચાલશે એમ શેખ પરિવારને આશા બંધાઈ છે.

આંધ્રપ્રદેશથી અત્રે આવેલા શેખ બાબુના પરિવારે સીઆઈડી ક્રાઈમની તપાસ અંગે નારાજગી વ્યકત કરી હતી અને જરૂર પડે તો સર્વોચ્ચ અદાલતમાં જવાની અને સીબીઆઈ તપાસની માગ કરવાની તૈયારી આરંભી છે. શેખબાબુની હત્યાકેસમાં ફતેગંજના તત્કાલીન પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનો જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે ફતેગંજ પોલીસ મથકના વધુ એક પીએસઆઈ રાઠોડની પણ આખા મામલામાં સંડોવણી હોવાના પુરાવા શેખ બાબુના પરિવારે અદાલતને સોંપ્યા છે. જેમાં એમના નિવાસસ્થાને આવીને સમાધાન કરી લેવા માટે દબાણ કરાયું હોવા ઉપરાંત અન્ય પુરાવાઓ પણ સામેલ કરી પીએસઆઈ રાઠોડ સામે કડક પગલાં ભરવાની માગ કરી છે.