આણંદ, તા.૮ 

આણંદ જિલ્લાના ખડાણા ગામે ચારેક દિવસ પૂર્વે એક રિક્ષાચાલકની થયેલી ઘાતકી હત્યાનો ભેદ પેટલાદ રૂરલ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રિક્ષાચાલકની હત્યામાં તેની પત્ની, પ્રેમી અને અન્ય બે શખસોની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. પતિ પ્રેમપંથમાં કાંટારૂપ બનતાં પત્નીએ તેનાં પ્રેમી અને બે સાગરીતો સાથે મળી પતિની ઘાતકી હત્યા કરાવી નાખી હતી. આ ઘટનાએ પેટલાદ પંથકમાં સનસનાટી ફેલાવી દીધી છે

પેટલાદ પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ હત્યા કેસની વિગત મુજબ, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા ગામના ચૌહાણપુરા વિસ્તારમાં રહેતાં અને રિક્ષા ચલાવીને ગુજરાન કરતા દિનેશભાઈ નટુભાઈ ચૌહાણની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા કરાયેલી લાશ ગત ૪થી તારીખના રોજ સવારના સુમારે પેટલાદ રૂરલ પોલીસને મળી આવી હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે હાથ ધરેલી ઝીણવટભરી તપાસમાં મૃતક દિનેશભાઈ ચૌહાણની પત્ની કરૂણાબેન ઊર્ફે રંજન શંકાસ્પદ લાગતાં તેની પૂછપરછ કરી હતી. પ્રથમ તો કરૂણાબેન પતિનાં હત્યાકાંડ સંદર્ભે કશુંય જાણતી નથી તેવો જ ડોળ કરતી હતી, પરંતુ પોલીસને માહિતી મળી હતી કે, કરૂણાબેનને તેનાં પિયર ઝાલાબોરડી ખાતે રહેતા એક યુવાન સાથે પ્રેમસંબંધ છે.

પોલીસની ટીમ ઝાલાબોરડી ગામે પહોંચી હતી અને કરૂણાબેનનાં પ્રેમી અરવિંદસિંહ બળવંતસિંહ પરમારને ઝડપી પાડીને તેની ઊલટતપાસ કરતાં તેણે આ હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, કરૂણા અને અરવિંદસિંહને કરૂણાનાં લગ્નનાં સાતેક વર્ષ અગાઉથી પ્રેમસંબંધ હતો. બંને અવાર-નવાર મળતાં હતાં. લગ્ન બાદ પણ સિલસિલો ચાલું જ હતો. કરૂણાબેન પતિ સાથેથી છુટાછેડા લેવા માટે પ્રયત્ન કરતી હતી, પરંતુ દિનેશભાઈ કેમેય કરીને તેણીને છુટાછેડા આપતો નહોતો.

કરૂણાએ પ્રેમી અરવિંદસિંહે સાથે મળીને પ્રેમપંથમાં દિનેશભાઈ રૂપી કાંટાને હટાવી દેવાનું નક્કી કર્યું હતું. જે અનુસાર ઝાલાબોરડી ગામે રહેતાં અનિરુદ્ધસિંહ ઊર્ફે વિપુલ ભગવાનસિંહ પરમાર અને ગોપાલસિંહ દલપતસિંહ પરમારની સાથે મળીને દિનેશભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન અનુસાર ગત ૩જી તારીખના રોજ પતિ દિનેશભાઈ ઘરની બહાર પોતાના ખેતરમાં ખાટલો નાખીને સુતો હતો. ત્યારે કરૂણાએ પ્રેમી અરવિંદસિંહને ફોન કરીને બોલાવતાં અરવિંદસિંહ મિત્રો અનિરુદ્ધસિંહ અને ગોપાલસિંહ સાથે બાઈક પર આવી ચઢ્યાં હતાં અને દિનેશભાઈ જ્યાં સુતો હતો ત્યાં જઈને પ્રેમી અરવિંદસિંહે ચપ્પાના ઉપરાછાપરી ઘા ગળાના ભાગે મારતાં દિનેશભાઈના ત્યાં જ રામ રમી ગયાં હતાં. ત્યારબાદ લાશને છુપાવવા માટે ઘરથી થોડે દૂર આવેલાં નિલગીરીના ખેતરમાં ખાટલાં સાથે દિનેશભાઈની લાશને ઊંચકીને ત્યાં જઈ મૂકી આવ્યાં હતાં. આ કબૂલાતના આધારે પોલીસે ચારેયની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.