અમદાવાદ-

શહેરમાં એક દંપતી છેલ્લા 25 વર્ષથી ટીફીનનો ધંધો કરી સારો નફો કમાતા હતા, પરંતુ છેલ્લા 1 વર્ષથી પતિને ઓનલાઈન જુગાર રમવાની ટેવ પડી જતા બેંકમાંથી રૂ.3 લાખ પણ ઉપાડી જુગારમાં હારી ગયા અને રૂ.60 હજારનું દેવુ પણ કરી નાખ્યું હતું. જેથી પત્ની અવાર નવાર પતિને સમજાવતી હતી. તેમ છતા પતિ ઓનલાઈન જુગાર રમવાનું બંધ કરતો ન હતો. જેથી તંગ આવેલી પત્નીએ અભય મહિલા હેલ્પલાઈનની મદદ માંગતા અભયની ટીમે ઘટના સ્થળે પહોંચી પતિનું કાઉન્સેલીંગ કરીને ફરી જુગાર નહીં રમવાની લેખિતમાં બાહેધરી અપાવી મામલો થાળે પાડ્યો હતો.

શહેરના એક વિસ્તારમાંથી અભય મહિલા હેલ્પલાઈન પર એક મહિલાએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી અમે પતિ-પત્ની ટીફીનનો ધંધો કરી સારો નફો કમાઈએ છીએ, પરંતુ છેલ્લા 1 વર્ષથી પતિને ઓનલાઈન જુગાર રમવાની ટેવ પડી ગઈ હોવાથી આખો દિવસ ઘરમાંને ઘરમાં બેસી રહે છે અને જુગાર રમ્યા કરે છે. ઘરની બહાર નિકળતા જ નથી. જેથી ટીફીનના ધંધામાં ઓછો નફો મળવા લાગ્યો છે એટલું જ નહીં પત્ની જ્યારે બેંકમાં પૈસા ઉપાડવા માટે ગઈ ત્યારે ખબર પડી હતી કે, પતિએ રૂ.3 લાખ ઉપાડી લીધા હતા અને જુગાર રમવામાં ઉડાવી લીધા હતા તથા બીજા રૂ.60 હજારનું દેવુ કરી નાખ્યું હતું. આ સાંભળીને 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને પતિ સાથે વાત ચીત શરૂ કરી હતી. બાદમાં પતિનું કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, આ આદત સારી નથી તમારું ઘર જુગારની આદતના કારણે બરબાદ થઈ રહ્યું છે, તમારા ઘરમાં આવતા પૈસા પણ ઓછા થઈ ગયા છે તેમ જણાવી લગભગ 2 કલાક સુધી પતિનું કાઉન્સેલીંગ કર્યું હતુ. બાદમાં પતિને પોતાની ભુલ સમજાતા તેણે અભયની ટીમ અને તેની પત્નીને લેખિતમાં બાહેધરી આપી હતી કે, હવે ફરી વખત તે ઓનલાઈન જુગાર નહીં રમે તથા પત્ની સાથે મળીને ટીફીનના ધંધામાં સાથ આપશે તથા જે પણ પૈસા આવશે તે તેની પત્નીને આપી દેશે. આમ અભયની ટીમે પતિનું કાઉન્સેલીંગ કરી મામલો થાળે પાડ્યો હતો.