સુરત, ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્વ. પીએસઆઈ અમિતા જાેષીના આપઘાતના કેસમાં પોલીસે તેમના પતિ તેમજ સાસરિયાની ભાવનગરથી ધરપકડ કરી છે. અમિતા જાેષીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીએ સાસરિયાના ત્રાસથી કંટાળીને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો. એટલું જ નહીં, અમિતાના પતિનું પરસ્ત્રી સાથે અફેર હોવાના તેમજ અમિતાએ બંનેને રંગેહાથ પકડ્યા હોવાના આક્ષેપ પણ તેમના પરિવારજનો દ્વારા કરાયા હતા. આ મામલે પોલીસે અમિતાના પોલીસકર્મી પતિ અને સાસરિયા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી.મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે અમિતા જાેષીના સાસરિયાની ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતેથી ધરપકડ કરી હતી, અને તેમને સુરત લાવવામાં આવ્યા હતા. સ્વ. પીએસઆઈના પતિ વૈભવ વ્યાસ, સસરા જીતુ વ્યાસ, સાસુ હર્ષા વ્યાસ, બે નણંદો મનીષા ભટ્ટ અને અંકિતા મહેતા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાયેલો છે. મહિધરપુરાના પીઆઈ આર.કે. ધુળિયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ તમામ આરોપીઓને પકડવા ભાવનગર રવાના કરવામાં આવી હતી. 

મૃતક પીએસઆઈ અને તેમના પતિ વૈભવ પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગમાં સાથે હતા ત્યારે તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા, અને બંનેએ ત્યારબાદ લગ્ન કરી લીધા હતા. તેમને એક દીકરો પણ છે. લગ્ન બાદ અમિતાએ આકરી મહેનત કરી પીએસઆઈની પરીક્ષા પાસ કરી હતી, જ્યારે તેમના પતિ હાલ સુરત સિટી પોલીસમાં જ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જાેકે, અમિતાના વધુ પગાર ઉપરાંત નોકરી સામે તેમના સાસરિયા સામે વાંધો હતો. તેઓ તેમને અવારનવાર નોકરી છોડી દેવા માટે દબાણ કરતા હતા.