હૈદરાબાદ- 

આસપાસના સ્લમ વિસ્તારમાં રહેતી મહિલાઓ માટે અહીંના રાજેન્દ્રનગર ખાતેની એક મસ્જીદ દ્વારા એક વ્યાયામશાળા એટલે કે, જીમ્નેશિયમ શરુ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે મસ્જીદ દ્વારા આ પ્રકારનું જીમ્નેશિયમ શરુ કરવામાં આવ્યું હોય એવો રાજ્યનો આ પહેલો કિસ્સો છે.

મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે અને વસ્તીમાં તેને પગલે કોઈ બિનચેપી રોગ ફેલાય નહીં એ માટે આવી શરુઆત કરાઈ છે. આ જીમ્નેશિયમમાં પ્રોફેશ્નલ કોચ હશે. આરોગ્ય બાબતે સલાહકાર અને ફિઝિશ્યન પણ અહીં રખાશે. રાજેન્દ્રનગર ખાતે વાદી-એ-મોહંમદમાં મસ્જીદમાં આ વ્યાયામશાળા ખોલાઈ છે. શહેરની એક બિન-સરકારી સંસ્થા નામે હેલ્પિંગ હેંડ ફાઉન્ડેશન યાને એચએચએફ દ્વારા આ સેન્ટર ચલાવવા માટે સહકાર આપવામાં આવશે.

જૂના શહેરના અહીંના સ્લમ વિસ્તારમાં એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં લાગ્યું હતું કે અહીંની બાવન ટકા મહિલાઓમાં કાર્ડીયોમેટાબોલિક બિમારીઓનું જાેખમ રહેલું છે. ઘણેભાગે ૨૫થી વધારે બોડીમાસ ઈન્ડેક્સ ધરાવતી આ મહિલાઓમાં બિનચેપી પ્રકારના અનેક રોગો થઈ શકે એવું જાેખમ હોવાને પગલે તેમને વ્યાયામશાળામાં તાલીમ આપવી જરુરી હોવાનું આ સંસ્થાને લાગ્યું હતું. એચએચએફના મેનેજીંગ ટ્રસ્ટી મુજ્તબા હસન અસકરીએ કહ્યું હતું કે, મસ્જીદ ખાતે શરુ કરવામાં આવેલા આ સારવાર કેન્દ્ર અને વ્યાયામશાળામાં મહિલાઓને -ખોરાક અને કસરત બાબતે સલાહ, તેમને રોગ થવાનું જાેખમ, ઉપરાંત તેમને મૂત્રમાર્ગના યકૃતના કે આંખના કોઈ રોગ બાબતનું જાેખમ તપાસ બાબતે -મદદ કરવામાં આવશે.

આ સર્વે હાથ ધરાયો તેમાં આશરે ૩૦ ટકા જેટલી મહિલાઓને અંડાશયને લગતી બિમારી પણ હતી. ૨૫ થી માંડીને ૫૫ વર્ષ સુધીની મહિલાઓને આ સરવેમાં આવરી લેવામાં આવી હતી. ૧૨ ટકા જેટલી મહિલાઓને ડાયાબિટિસ, થાયરોઈડ કે હાઈપર ટેન્શન જેવી એક-યા વધારે બિમારીઓ રહેતી હતી. ૨૦ થી ૪૯ વર્ષ સુધીની મહિલાઓમાં ૨૫ થી વધારે બીએમઆઈ એટલે કે મેદસ્વીતાની સમસ્યાઓ જાેવા મળી હતી. તેમણે કહ્યું હતું કે, જે મહિલાઓને કમર-નિતંબના ભાગે મોટા પ્રમાણમાં ચરબી હોય એવી મહિલાઓની સંખ્યા પણ ઘણી મોટી જાેવાઈ હતી.