ન્યુ દિલ્હી, તા.૧૯ 

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહનું નામાંકન આ વર્ષના ખેલ રત્ન માટે પરત ખેંચી લેવાયું હોવાના મામલે પંજાબ સરકાર તેમજ હરભજન વચ્ચે ખટપટ હોવાની અફવાઓ વહેતી થઈ હતી.

આ મામલે હરભજન સિંહે પોતાની તરફથી સ્પષ્ટતા કરી હતી. હરભજન સિંહે જણાવ્યુ હતું કે, તેમણે પોતે જ પંજાબ સરકારને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્નનું નામાંકન પરત લઈ લેવા જણાવ્યું હતું. હરભજન સિંહે શ્રેણીબદ્ધ ટ્‌વીટ કરીને આ અંગે ખુલાસો કર્યો હતો. ભજ્જીએ જણાવ્યું હતું કે હું આ એવોર્ડ મેળવવા માટે યોગ્ય નથી. ભારતીય ઓફ સ્પિનરે જણાવ્યું કે, પંજાબ સરકારે ખેલ રત્નના સંભવિતોમાંથી મારું નામ શા માટે પરત લઈ લીધું તેવા સંખ્યાબંધ ફોન કોલ્સ મને આવી રહ્યા છે.

સત્ય એ છે કે આ એવોર્ડ પાછલા ત્રણ વર્ષના આંતરાષ્ટ્રીય પ્રદર્શનને આધારે નક્કી કરાય છે અને હું તેના માટે યોગ્ય નથી. પંજાબ સરકારનો કોઈ દોષ નથી અને તેમણે જે કંઈ પણ કર્યું છે તે બરોબર કર્યું છે. હું મીડિયાના મારા મિત્રોને વિનંતી કરું છું કે તેઓ કોઈ ખોટી ધારણાઓ વહેતી ના કરે, તેમ ભજ્જીએ અન્ય ટ્‌વીટમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે પણ હરભજન સિંહનું ખેલ રત્ન માટે નામાંકન મોકલવામાં વિલંબ થયો હતો અને છેલ્લી તારીખ બાદ તેને રાજ્ય સરકારે મોકલતા રમત મંત્રાલયે સ્વીકાર્યું નહતું.

જ્યારે આ વર્ષે હરભજન આ એવોર્ડ માટે યોગ્ય ઉમેદવાર નહીં હોવાનું જણાય છે. હરભજને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે એવોર્ડ પાછલાં ત્રણ વર્ષના આંતરાષ્ટ્રીય દેખાવને આધારે આપવામાં આવે છે.