ભાવનગર,તા.૧૯ 

દ્વારકા મંદિર ખાતે દેવભૂમિ-દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તરફથી કરવામાં આવેલા હુમલાના પ્રયાસ અંગે મોરારિબાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મારા તરફથી આ વિવાદ પૂર્ણ થયો છે. હું માફી માંગનાર અને આપનાર વ્યકિત છું. બીજી તરફ મોરારિ બાપુ પર દેવભૂમિ દ્વારકામાં થયેલા હુમલાનો પ્રયાસના સાધુ-સંત સમાજવે વખોડી કાઢ્યો છે. આ ઉપરાંત મહુવાનું તલગાજરડા ગામ આ ઘટનાના વિરોધમાં સ્વયંભૂ બંધ રહ્યું છે. આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા મોરારિબાપુએ જણાવ્યું કે, હું બે વખત માફી માંગી ચૂકયો છું. મને કહેવામાં આવ્યું કે બાપુ તમે દ્વારકા આવી જાવ, એટલું હું દ્વારકા ગયો હતો, દ્વારકા મારા ઇષ્ટદેવ છે. મારા તરફથી વાત પૂરી થાય છે. હું લોકોને અપીલ કરું છું કે કયારેય ઉશ્કેરાવું નહીં. હું માફી માંગનાર અને આપમાર વ્યકિત છું. મારા કોઈ અનુયાયી નથી.

મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના ઠેર ઠેર પડ્યા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મહુવાના તલગાજરડા ગામના લોકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. બાપુ પર હુમલાના પ્રયાસથી ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ સાથે જ ગામ લોકોએ પબુભા માણેક સામે પગલાં લેવાની માંગ કરી છે. ગામના લોકોએ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે રેલી કાઢીને પબુભા માણેક સામે પગલાં લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા મોરારિબાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, "દરેક લોકોનાં વિચારો જુદાં જુદાં હોઈ શકે પરંતુ સભ્ય સમાજમાં આ પ્રકારની ઘટના કયારેય સ્વીકાર્ય ન હોઈ શકે. જૂનાગઢ ભગવત ગુરુ આશ્રમ સૂર્ય મંદિરના મહંત મહામંડલેશ્વર જગજીવન દાસ બાપુએ દ્વારકામાં ભગવાનને દર્શન કરવા પધારેલા મોરારિબાપુ પર હુમલાના પ્રયાને વખોડી કાઢ્યો હતો. આ સાથે તેમણે રાજ્યના વૈષ્ણવ સમાજને દરેક જિલ્લા, તાલુકા મથકે આવેદન આપવા આહવાન કર્યું છે.