વડોદરા : પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવવાની ડંફાસો હાંકતી ભારતીય જનતા પાર્ટી બહુમતી માટે વિધાનસભામાં માથાં ગણાવવાની એકમાત્ર લાચારીને કારણે વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના અત્યંત ગંભીર ગુનાઓ છાવરતી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આજે આવા જ એક બનાવમાં સયાજીપુરા ખાતે એક જાહેરસભાને સંબોધતાં પાર્ટી માટે અનિયંત્રિત બની ચૂકેલા મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય હોવા છતાં કોઈ લુખ્ખા કે ગુંડા જેવી ભાષા બોલતા હોય એમ જાહેરમાં માઈક ઉપર એમ કહ્યું હતું કે, પોલીસ અને કલેકટરને હું ખિસ્સામાં લઈને ફરું છું. કોઈની તાકાત નથી મને પકડે... પોતાને પાર્ટી તો શું કોઈપણ કંઈ જ કરી શકે એમ નથી એવા ઘમંડના સૂર સાથે આવી ભાષા વપરાઈ ત્યારે ત્યાં ખાખીવર્દીધારીઓ પણ ભાજપાના કાર્યકરોની અદામાં ચૂપચાપ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે જ ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દબંગ ધારાસભ્યનો કોલર પકડી ગેરશિસ્ત અંગે જવાબ માગવાને બદલે તેમની જાહેરમાં તારીફ કરતાં ખુદ પક્ષપ્રમુખે વાંદરાને દારૂ પીવડાવી નિસરણી આપ્યા જેવો ઘાટ થયો હોવાની ચર્ચાએ આજે મધુ શ્રીવાસ્તવની દબંગગીરીને કાયદાથી પર ગણાવી ઉત્તેજના જગાડી છે. જાહેરમાં ગોળીબાર અને પાછળથી તેને રમકડાંની પિસ્તોલમાં ખપાવવા જેવા બનાવો તાજેતરમાં જ પત્રકારને કેમેરાની સામે જ ‘કોઈને કહીને ઠોકાવી દઈશ’ જેવી અપાયેલી ધમકી જેવા દસ્તાવેજી પુરાવાઓ સાથેના ગુનાઓનું લાંબુંલચક લિસ્ટ હોવા છતાં પોતાને ‘મર્દ મરાઠા’ ગણાવતા ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (ભૂ.પૂ. પોલીસ કર્મી.) પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે શિસ્તભંગના પગલાં લેવાની વાત તો દૂર પણ ‘જબાન સંભાલ કે...’ જેવું નમ્ર સૂચન કરતાં પણ ગભરાય છે એવી છાપ ઊભી થઈ છે. વડોદરા નજીક સયાજીપુરા ખાતે ભાજપના ઉમેદવારના પ્રચારાર્થે જાહેર સભાને સંબોધતા મધુ શ્રીવાસ્તવે પોતે પોલીસ અને કલેક્ટરને ખિસ્સામાં લઈને ફરતા હોવાની વાત કરતા ચકચાર મચી જવા પામી છે. મધુએ પોલીસની હાજરીમાં વધુ એકવાર બેફામ શબ્દો ઉચ્ચારવા છતાં પણ સભા સ્થળે ઉપસ્થિત પોલીસ મૂક પ્રેક્ષક બનીને મૌન ધારણ કરીને તમાશો જાેઈ રહી હતી. જાહેરમાં બેફામ ધાકધમકીઓ આપવાની કુટેવ ધરાવતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપતા અપક્ષ તરીકે ખુલ્લે આમ પક્ષની ઉપરવટ જઈને ઝંપલાવ્યું હતું.

એ સમયે ત્રણ સંતાનોને લઈને પુત્રનું ફોર્મ રદ્દ થશે એવો પ્રશ્ન પત્રકારોએ પૂછતાં ત્યારે પણ છછેડાયેલા મધુ શ્રીવાસ્તવે પત્રકારોને ધમકી આપીને ઠોકી દેવાની ધમકી જાહેરમાં ઉચ્ચારી હતી. આ ટિકિટ મામલે ખુલ્લે આમ પક્ષ સામે પાડનાર મધુ સામે પગલાં લેવાની હિમ્મત ખુદ પક્ષના ટોચના નેતાઓ પણ લઇ શક્યા નથી.

આવા શબ્દ પ્રયોગ યોગ્ય નથી નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલ

પાલિકાઓની આગામી ચૂંટણીઓના અનુલક્ષમાં બે જાહેર સભાઓ સંબોધવાને માટે આવેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરા જીલા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને માટે સયાજીપુરા ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્‌ઘાટન સમારોહ વખતે સંબોધન કરતા વિસ્તારના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતે પોલીસ અને કલેક્ટરને તો ખિસ્સામાં લઈને ફરે છે.એવું મેદની સમક્ષ બોલતા ભાજપના અગ્રણીઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.આ અંગે પ્રત્યાઘાત આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કોઈપણ સરકારી કર્મચારી કે ગમેતે વ્યકિતને માટે આવી ભાષાનો પ્રયોગ કરવો જાેઈએ નહિ.નાનામાં નાના સરકારી કર્મચારી માટે પણ આવો શબ્દ પ્રયોગ યોગ્ય નથી.એમનું માનસન્માન જાળવવું જાેઈએ એમ તેઓએ ઉમેર્યું હતું.