અમદાવાદ, ઈસરોના મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એક ઘટસ્ફોટ કરીને તમામને ચોંકાવી દીધા છે. ૨૦૧૭માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ આ ઘટસ્ફોટ ફેસબુક પોસ્ટમાં કર્યો છે. તેમને પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે તેમને કોઈ આઈડિયા નથી કે તેમને ઝેર કોણે અને કેમ આપ્યું હતું? તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ ઝેર તેમને બેંગલોરમાં પ્રમોશન ઇન્ટરવ્યૂ દરમિયાન આપવામાં આવેલા નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ તેમની ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરી હતી. તેઓએ જણાવ્યું કે, ઘર પર જે આર્સેનિક અપાય છે, તે ઓર્ગેનિક હોય છે. પરંતુ તેમને જે ઝેર આપવામાં આવ્યું હતું તે એક ઈનઓર્ગેનિક હતું.  

તેની એક ગ્રામ માત્રા કોઈ પણ વ્યક્તિને મારવા માટે ઘણું છે. તપન મિશ્રાએ કહ્યું- આ ઘટના પછી મારે સતત બે વર્ષ સુધી સારવાર લેવી પડી, તેથી જ મેં આ વિશે કોઈની સાથે વાત કરી નથી. હું ભાગ્યશાળી છું કારણ કે આ ઝેર લીધા પછી કોઈ જીવતું નથી. હું જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યો છું અને ઇચ્છું છું કે લોકો આ ઘટના વિશે જાણે, જેથી જાે હું મૃત્યું પામું તો બધાને ખબર હોય કે મારી સાથે શું શું થયું છે. તપન મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે ઇસરોમાં આપણને મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મૃત્યુના સમાચાર અવાર નવાર મળ્યા જ કરે છે. વર્ષ ૧૯૭૧ માં પ્રોફેસર વિક્રમ સારાભાઇનું મૃત્યુ શંકાસ્પદ હતું. ત્યારબાદ ૧૯૯૯માં વીએસએસસીના ડાયરેક્ટર ડો. એસ. શ્રીનિવાસનના મોત પર પણ સવાલો ઉભા થયા હતા.

એટલું જ નહીં ૧૯૯૪માં શ્રી નાંબીનારાયણનો મામલો પણ બધાની સામે આવ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે એક દિવસ હું આ રહસ્યનો ભાગ બનીશ. તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે ૨૩મે ૨૦૧૭ના રોજ તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી મારી હાલત ખરાબ હતી. ઇન્ટરવ્યૂ પછી હું ખુબજ મુશ્કેલીથી બેંગ્લોરથી અમદાવાદ પાછો આવ્યો હતો. અમદાવાદ પરત ફર્યા બાદ મને એનલ બ્લીડિંગ (ગુદા રક્તસ્રાવ) થઈ રહ્યું હતું. ત્યારબાદ મને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.