વોશિંગ્ટન-

અમેરીકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસની ભત્રીજી મીના હેરીસે જણાવ્યું છે કે, ખેડૂત આંદોલનનું સમર્થન કરતી વખતે હું કોઈનાથી ડરીશ નહીં કે ચૂપ પણ નહીં રહું. યાદ રહે કે મીના હેરીસ તેના મોસાળ પક્ષે ભારતના ચેન્નાઈની છે, અને તે એક વકીલ ઉપરાંત લેખક પણ છે. તાજેતરમાં જ તેણે ભારતના ખેડૂત આંદોલનને ટેકો આપવાને પગલે તે કેટલાંક વર્તુળોમાં લોકપ્રિય બની હતી તો કેટલાકે વળી તેના પર ટીકા વરસાવી હતી.

દેશમાં શાંતિપૂર્ણ દેખાવો અને અવિરત ઈન્ટરનેટ સેવા આ બાબતો સાચા લોકતંત્રના પ્રતિક છે, એમ તેણે કહ્યું હતું. જો કે, નીતિ તરીકે મીના પણ ભારતીય કૃષિ કાનૂનોનું સમર્થન કરે છે. તેણે ટ્વિટ કર્યું હતું કે, દુનિયાની સૌથી પ્રાચીન લોકશાહી પર હુમલો અને હવે દુનિયાની વિકાસશીલ લોકશાહી ભયના ઓથાર હેઠળ છે એ કોઈ યોગાનુયોગ નથી. આ બંને વચ્ચે કંઈક તો સંબંધ છે અને તેમણે ખેડૂતોના આંદોલનના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ એ બાબતે પણ નારાજગી વ્યક્ત કરી હતી. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 600000 જેટલા ફોલોઅર્સ ધરાવતી મીનાએ પોતાના વિચારો બદલ ટીકા કરનારા લોકોને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હું કોઈનાથી ડરીશ નહીં કે ચૂપ પણ નહીં થાઉં.