અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય ચૂંટણી પંચે કોર્પોરેશનો, નગરપાલિકાની ચૂંટણી 3 મહિના માટે મોકૂફ રાખવા બહાર પાડેલા નોટિફિકેશનને પડકારવામાં આવ્યું છે. અરજદારે અરજીમાં ચૂંટણી પંચના આ નિર્ણયને તદ્દન ગેરકાયદે અને અન્યાયી ગણાવ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિર્ધારિત સમયે યોજાય તે માટે અરજીમાં દાદ માંગવામાં આવી છે. સ્નેહ ભાવસાર નામના અરજદારે કરેલી અરજીમાં રજૂઆત કરાઇ છે કે, ચૂંટણીપંચે 3 મહિના માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુલતવી રાખવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. ચૂંટણીપંચે તાજેતરમાં જ 8 બેઠક પર પેટાચૂંટણી યોજી છે તો પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શા માટે મોકૂફ રખાઈ છે?. 

રાજ્યમાં પેટાચૂંટણીઓ યોજાઇ શકે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ નહીં? નિર્ધારિત સમયે ચૂંટણીઓ યોજાય તે માટે અરજદાર દ્વારા અરજીમાં દાદ માંગવામાં આવી છે.અરજદારે કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, 15 નવેમ્બરના રોજ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થઈ રહી છે. બંધારણ મુજબ કુદરતી આફત કે કોમી રમખાણો થયા હોય ત્યારે જ ચૂંટણી મુલતવી રાખી શકાય તે સિવાયના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુલતવી રાખી શકાય નહીં. અરજદારે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત કરતા પણ વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં યોગ્ય સેફ્ટી સાથે ચૂંટણી યોજાઈ છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કેમ મોકૂફ રાખવામાં આવી છે?, આ ચૂંટણી મોકૂફ રાખી શકાય નહીં.