વડોદરા-

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટ તેમજ વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. જયાંં તેમણે અધિકારીઓ સાથે રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. વડોદરામાં અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, માર્ચ મહિનાની 19મી તારીખે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો. આજે આ સંખ્યા 54 હજાર નજીક પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ જોતા બેડની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, કોરોના સામે લાંબી લડાઈ બાકી છે. જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી લડવાનું છે. આ સમયે તેમણે નવરાત્રિ યોજવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ આવી જ રહેશે તો નવરાત્રિ નહીં યોજાય. આમ, કોરોનાના કપરા કાળમાં નવરાત્રિના આયોજન માટે મંજૂરીના આયોજનની શક્યતા નહીંવત છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાતમાં સરકારે ટેસ્ટની સંખ્યા વધારી છે. હવે દરરોજ 20 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.