નવી દિલ્હી

દેશભરમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ફરી એકવાર મહારાષ્ટ્ર જોવા મળે છે. મહારાષ્ટ્રમાં રોજેરોજ કોરોનાના 30 હજારથી વધુ કેસ નોંધાય છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે.

પુણેમાં મીડિયા સાથે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે રાજ્યમાં જેવી સ્થિતિ ચાલી રહી છે તેવામાં મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે હાલ સરકાર કોરોનાના કેસ મોનિટર કરી રહ્યા છે જો કેસ ઓછા થયા નહીં તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી. તેમણે કહ્યું કે સરકાર 2 એપ્રિલ સુધી કેસ જોશે. એટલે કે ત્યારપછી કોઈપણ સમયે લોકડાઉન જાહેર થઈ શકે છે.

અજિત પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ ઉપરાંત લોકો ગાઈડલાઈન્સનું પાલન કરી નથી રહ્યા. તેવામાં હવે સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મોલ, માર્કેટ, સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. જ્યારે લગ્ન સમારોહમાં માત્ર 50 લોકોને જ મંજૂરી હશે. અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ જોડાઈ શકે છે.