અમદાવાદ-

નવરાત્રી નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબાના આયોજનને મંજૂરી મળશે કે નહિ એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. પરંતું નવરાત્રીમાં ગરબાનું આયોજન નહિ થાય તેવા સ્પષ્ટ સંકેત ગુજરાત સરકારે આપી દીધા છે. ત્યારે સૌથી કફોડી હાલત ગુજરાતના કલાકારોની બની છે. કારણ કે, લોકડાઉન લાગુ થયા બાદ તેઓ પાસે કોઈ કામ નથી. જાહેર કાર્યક્રમો બંધ હોવાથી એકમાત્ર આશા નવરાત્રિના આયોજન પર હતી, તે પણ ઠગારી નીવડી. ત્યારે આવામાં કલાકારોએ સરકાર પાસેથી સહાયની માંગણી કરી છે. નવરાત્રીમાં મોટાપાયે ગરબા આયોજકોને મોટા ગરબા માટે મંજૂરી આપવાની કોઈ શક્યતા ન હોવાનું ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ત્યારે આ મામલે ધ બોલિવુડ હબના ડાયરેક્ટર ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું કે, ગરબાની પરવાનગી નહિ મળે તો કલાકારોની સ્થિતિ કથળશે એ નક્કી છે.

સરકાર કલાકાર રાહતનિધિ ફંડમાંથી કલાકારોને આર્થિક મદદ કરે તેવી અમારી અપીલ છે. શેરી ગરબાને પરવાનગી મળશે તેવી ગ્રીષ્મા ત્રિવેદીએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, શેરી ગરબાના માધ્યમથી અનેક લોકોને રાહત મળી શકશે. અનેક કલાકારો છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યા છે, તેમને સરકાર મદદ કરે. જો ગરબાના આયોજનને પરવાનગી નહીં મળે તો ડિસેમ્બર સુધી કલાકારોને રોજગારી માટે કોઈ તક મળવાની નથી. આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ ર્નિણય કર્યો નથી.