દિલ્હી-

કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી સરકારની 'ઘરે-ઘરે રાશન યોજના' પર પ્રતિબંધ લગાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે આ યોજનાના અમલીકરણ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, તો પછી તમે બે દિવસ પહેલા કેમ તેને રોકી દીધી? કેજરીવાલે કહ્યું કે તમે આમ કહીને અમારી યોજના નામંજૂર કરી કે અમે કેન્દ્રની મંજૂરી લીધી નથી. પરંતુ અમે આ યોજના માટે ૫ વખત કેન્દ્રની મંજૂરી લીધી હતી.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, આગામી સપ્તાહથી ઘરે-ઘરે રશન યોજના શરૂ થવાની હતી. આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, પરંતુ કેન્દ્રએ અચાનક બે દિવસ પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો? વડાપ્રધાનજી આજે હું ખુબ જ વ્યથિત છું. જાે આજે મારાથી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજાે. વડાપ્રધાનજી, રાજ્ય સરકાર આ યોજના માટે સક્ષમ છે. અને અમે કેન્દ્ર સાથે કોઈ વિવાદ ઈચ્છતા નથી. અમે તેનું નામ મુખ્યમંત્રી ઘરે-ઘરે રાશન યોજના રાખ્યું હતું. તે પછી તમે કહ્યું હતું કે યોજનામાં મુખ્યમંત્રીના નામનો સમાવેશ કરી શકાશે નહીં. અમે તમારી વાત માનીને નામ દૂર કરી નાખ્યું. ત્યારે હવે તમે અમારી યોજનાને એમ કહીને નકારી દીધી છે કે અમે કેન્દ્રની પરવાનગી લીધી નથી. અમે આ યોજના માટે ૫ વખત કેન્દ્ર સરકારની મંજૂરી લીધી છે.કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતું કે 'આ દેશમાં જાે સ્માર્ટફોન, પિઝાની હોમ ડિલિવરી થઈ શકે છે તો રાશનની કેમ નહીં? શું તમને રાશન માફિયા પ્રત્યે સહાનુભૂતિ છે, વડાપ્રધાન સર? તે ગરીબ લોકોની વાત કોણ સાંભળશે? કોર્ટમાં અમારી યોજના સામે કેન્દ્રને જાે કોઈ વાંધો નથી તો હવે કેમ તેને નકારી કાઢવામાં આવી રહી છે? ઘણા ગરીબ લોકોએ નોકરી ગુમાવી છે. લોકો બહાર જવા માંગતા નથી, તેથી અમે ઘરે-ઘરે રાશન મોકલવા માંગીએ છીએ.