સ્પેન, તા.૫

સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી એશ્લે બાર્ટીએ આ વર્ષે થનાર યુએસ ઓપન અંગે ચિંતા વ્યક્ત કરી છે. નડાલે કહ્યું કે અમેરિકા સહિત આખી દુનિયામાં કોરોનાની સ્થિતિ સરખી થાય તે પછી જ ટેનિસની રમત શરૂ થવી જોઈએ. ડિફેન્ડિંગ ચેમ્પિયન નડાલે ગુરુવારે કહ્યું, જો તમે આજે મને યુએસ ઓપન રમવાનું કહેશો તો હું ના કહીશ. આ વર્ષે ન્યૂયોર્કમાં યુએસ ઓપન ૨૪ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન રમાશે. સ્પેનિશ સ્ટારે કહ્યું, “મને ખબર નથી કે થોડા મહિનામાં શું થશે. હું આશા રાખું છું કે લોકોનું સામાન્ય જીવન ફરીથી ટ્રેક પર આવશે. જ્યારે તે થઈ જાય, અમે વાયરસ કેવી રીતે વિકસ્યો તે જોવા માટે રાહ જોઈશું. નડાલે ૨ મહિના પછી ફરી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ તેણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે, હું કોર્ટ પર પાછો આવ્યો છું. મને આનંદ છે કે બાળકો અહીં રાફા નડાલ એકેડમીમાં ફરીથી અભ્યાસ કરી શકે છે. તેઓ ખુશ છે અને આ સૌથી અગત્યની બાબત છે. ગઈ વખત નડાલે યુએસ ઓપનની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને ચોથી વખત ટાઇટલ પોતાના નામે કર્યું હતું.