વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષ ૧૯૯૨માં તત્કાલીન અધ્યક્ષ મૌલિન વૈષ્ણવના શાસન વખતે વર્ગ-૪ના વિવિધ કેડરના ૫૭૨ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી. પાલિકાના નિયમ મુજબ કોઈપણ કર્મચારી ૭૨૦ દિવસ સુધી સળંગ ફરજ બજાવે તો એને કાયમી કરવા પડે. પરંતુ ૧૯૯૨ની નિમણૂકવાળા કર્મીઓને આજદિન સુધી કાયમી કરાયા નહોતા. જેને લઈને હાઇકોર્ટ અને લેબર કોર્ટમાં કેસ ચાલી જતા કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ હાલમાં ફરજ બજાવતા ૨૩૪ જેટલા કર્મચારીઓને કાયમી કરીને લાભ આપવાની વાત કરીને પ્રત્યેક કર્મચારી દીઠ અડધા લાખ જેટલી કટકી લેવામાં આવ્યાનું પ્રકાશમાં આવ્યું હતું. જેને લઈને શાસક પક્ષ ભાજપ અને સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સામે આંગળી ચીંધવામાં આવી હતી. જેમાં તેઓએ કોર્ટના ચુકાદાને માથે ચઢાવીને પાલન કરાવવાને બદલે એનો અમલ કરાવવાને માટે મોટી કટકી માગીહોવાનો ગણગણાટ ચોથા વર્ગના લાભાર્થી કર્મચારીઓમાં શરુ થઇ ગયો હતો. જાે કે આજે આ બાબતમાં યુનિયન અને એના લાભર્થી સભ્યો વચ્ચે ડીલ થયાની વાતને આગળ ધરીને અધ્યક્ષે પોતે સમગ્ર બાબતથી અજાણ હોવાનું લોકસત્તાને જણાવ્યું હતું. તેમજ સાથોસાથ યુનિયનનો બચાવ કરતા ઉમેર્યું હતું કે તેઓએ કર્મચારી દીઠ જે અડધા લાખ જેટલી રકમ લીધી છે. એ લીગલ ફી પેટે ચુકવેલી રકમ પેટે જમા લઈને એની કાયદેસરની પહોંચ આપી છે. આમ આ કટકી કૌભાંડ પ્રકાશમાં આવતા સૌના પગ નીચેથી રેલો નીકળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક કરોડની કટકીમાં સામેલગીરીને માટે એકબીજાને ખો આપીને એકબીજાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રશ્ને કોર્ટના ર્નિણય પછીથી ૫૬ ની છાતી લઈને ફરનાર નેતાઓ જશ ખાટીને એને રોકડમાં રૂપાંતરિત કરવા જતા ખુલ્લા પડી જતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. જેને લઈને હવે તેઓની સ્થિતિ માં મને કોઠીમાંથી કાઢ જેવી સર્જાતા એકબીજાના પર દોષારોપણ કરીને ખો આપી રહ્યા છે. જાે કે આખરે શિક્ષણ સમિતિના અધ્યક્ષે પોતાના માથેથી ગાળિયો કાઢવા અને ગાળામાં ફસાયેલ કટકીની હડ્ડીને દૂર કરવાને માટે એવું નિવેદન આપવું પડ્યું છે કે, યુનિયન અને સભ્યો વચ્ચેના વિવાદમાં કોઈ લેખિત ફરિયાદ શિક્ષણ સમિતિ સમક્ષ આવશે તો જરૂર આકરામાં આકરી કાર્યવાહી કરાશે. જેને લઈને હવે આ શિક્ષણ સમિતિના કટકી કૌભાંડમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે કે, સમગ્ર કૌભાંડથી પોતે અજાણ હોવાનો અધ્યક્ષનો દાવો કેટલો સાચો કેટલો ખોટો એ કરોડનો સવાલ અનુત્તર રહેવા પામ્યો છે. જેના પરનો પડદો આજે નહીંને કાલે હટી જતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. એવો દાવો સામે કટકી આપનારાઓ કરી રહયા છે. આ ૨૩૪ જેટલા કર્મચારીઓને કોર્ટના હુકમ પછીથી પણ નાણાં ચુકાવવાને માટે રાજકીય શતરંજની માફક રમત રમીને ગોળગોળ ફેરવવામાં આવતા તેઓ આગામી દિવસોમાં કટકી કરનારાઓ સામે એફિડેવિટ કરવાનું વિચારી રહયા છે. એની સાથોસાથ કોર્ટના અનાદર બદલ કાર્યવાહી કરનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. જાે કે આમ કરવા જતા પણ શાસક પક્ષ ભાજપ અને એના સત્તાનશીનોની ગાદીઓ જાેખમમાં મુકાઈ જાય એમ હોઈ તેઓએ આબરૂ બચાવવાને માટે દોડધામ મચાવી મૂકી છે.