આણંદ : પહેલી જાન્યુઆરી, ૨૦૨૧થી ફાસ્ટેગ અમલી બનશે ત્યારે વાસદ સહિત ટોલ પ્લાઝાની આસપાસના ગ્રામજનોને ટોલમાંથી મુક્તિ મળશે કે કેમ એ સવાલને લઈને હાલ વિવાદનો વંટોળ ઊભો થયો છે! નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાહેર કરેલાં પરિપત્રો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, ટોલ મુક્તિ હવે ભૂતકાળ બની જશે. પરિણામે વાસદ, સુંદણ, અડાસ, રાજપુરા, વહેરાખાડી, નંદેસરી, ફતેપુરા સહિતના ગામોના લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યોે છે.  

હાઇવે ઓથોરિટીની વાસદ પંથકના ૨ હજાર વાહન ચાલકો પાસે પાસ પેઠે લાખો રૂપિયા પડાવાનાં ષડયંત્રને સાખી નહીં લેવાય, તેમ વાસદ આસપાસના ગામોના સરપંચોએ એક અવાજે જણાવ્યું હતું. ૧લી જાન્યુઆરીના રોજ વાસદ પંથકના ૭ ગામોના લોકો પાસે ટોલ વસૂલવામાં આવશે તો ફરી આંદોલનના મંડણ થશે. આ માટે તંત્ર તૈયાર રહે તેમ વાસદ અને તેની આજુબાજુના સરપંચોએ જણાવ્યું હતું. ટોલનાક પર હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વાસદ હોય કે આણંદ જિલ્લાનું અન્ય કોઈ પણ ગામ ફાસ્ટેગ આવી ગયાં પછી દરેક ફોર વ્હીલરે પૈસા ચૂકવવા જ પડશે. એ પણ અત્યાર સુધી હતાં તેને બદલે રૂપિયા ૬૫ વધારાના ચૂકવવા પડશે. હવે જાે પાસ નહીં હોય તો ૧૨૫ ચૂકવવા પડશે, તેમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું. પરિણામે વાસદ પંથકમાં ભારે નારાજગી વ્યાપી ગઇ છે.