અમદાવાદ-

કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પ્રશ્નપત્ર કે પરીક્ષાના બહાને શાળાએ બાળકોને બોલાવતા હોવાની વિગત ફરી એકવાર તંત્રના ધ્યાને આવી છે જેને પગલે સ્કૂલ બોર્ડના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. કોઇપણ મુદ્દે બાળકોને શાળાએ બોલાવવા નહિ અને જો બોલાવશો તો સસ્પેન્ડ થશો તેવી ખાસ તાકીદ સ્કૂલ બોર્ડના અધિકારીઓએ શિક્ષકોને કરી છે. આ કડક સૂચના શિક્ષકોને આપતા હોય તેવો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત ૩૭૫થી વધુ શાળાઓ અમદાવાદમાં છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મોટા ભાગે વિસ્તાર પ્રમાણે શાળાઓ આવેલી છે જેથી ગરીબ બાળકોને અભ્યાસ માટે આવવામાં મુશ્કેલીના પડે. પરંતુ હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે જેના કારણે ૨૩ માર્ચથી રાજ્યભરમાં શાળાઓ કોલેજો બંધ છે. શૈક્ષણિક કાર્ય બંધ છે પરંતુ સ્કૂલ બોર્ડ મહિના પ્રમાણે અભ્યાસ ક્રમ બાળકો સુધી પહોંચાડ્યો છે અને તેમનો અભ્યાસ છૂટી ના જાય માટે એકમ કસોટી લેવામાં આવી રહી છે. જે માટેના પ્રશ્નપત્રો બાળકોના ઘરે પહોંચાડવા અને પરીક્ષા બાદ ઉત્તરવહી લેવાની જવાબદારી શિક્ષકોને સોંપાઈ છે. જેનો ગેરફાયદો કેટલીક શાળાના શિક્ષકો ઉઠાવતા હોવાનું સ્કૂલબોર્ડના ધ્યાને આવ્યું છે.

શિક્ષકો ચાલાકી વાપરી બાળકોને પ્રશ્નપત્ર લેવા શાળાએ બોલાવી રહ્યા હોવાનું ધ્યાને આવતા સ્કૂલબોર્ડએ કડકવલણ અપનાવ્યું છે. કોઈપણ કારણસર બાળકોને શાળાએ બોલાવવા નહિ તેવી કડક સૂચના આપતો સ્કૂલ બોર્ડના અધિકારીનો ઓડિયો વાયરલ થયો છે. અધિકારીએ શિક્ષકોને આપેલી ટેલિફોનિક સૂચના વાયરલ થઈ છે. જેમાં સ્પષ્ટ તાકીદ કરાઈ છે કે, જો બાળકને શાળાએ બોલાવશો અને તેને કોરોનાનો ચેપ લાગશે તો તેની જવાબદારી જે તે શિક્ષકોની રહેશે. અત્યાર સુધી જે સસ્પેનશનના પગલા નથી લેવાયા તે પગલાં લેવાઈ શકે છે. મહત્વનું છે કે, દુધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેવી હાલત હાલ સ્કૂલ બોર્ડની છે. થોડા સમય પહેલા જ અમદાવાદ સ્કૂલબોર્ડની એક શાળામાં બાળકોને શાળામાં બોલાવી પરીક્ષા આપવામાં આવી હોવાના વીડિયો સામે આવ્યા હતા. જોકે, આ ઘટનામાં સ્કૂલબોર્ડે શિક્ષકોનો વાંક નથી તેવું જણાવી દીધું હતું.