અમદાવાદ-

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIMA)ને અમદાવાદની સ્વચ્છ સરકારી કાર્યાલય તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર તરફથી એનાયત કરવામાં આવ્યો છે. IIMAના કેમ્પસમાં ઘન કચરાના કાર્યક્ષમ વ્યવસ્થાપન કરવા માટે સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર તરફથી એવોર્ડ સ્વીકારતા IIM-Aના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કમાન્ડર મનોજ ભટ્ટ (નિવૃત્ત). IIM-અમદાવાદ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના સર્વેક્ષણના આધારે 'સ્વચ્છ સર્વેક્ષણ 2021 એવોર્ડ' આપવામાં આવ્યો છે. આ સંસ્થા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટર (ઓડબલ્યુસી) અને કમ્પોસ્ટિંગ કરવા, તમામ સંભવિત કચરાનું રીસાઈક્લિંગ કરવા, કચરાના નિકાલ માટેની પ્રવૃત્તિઓમાં અસરકારક સંકલન કરવા અને બાહ્ય એજન્સીઓ સાથે જોડાણ જેવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે હાથ ધરે છે. 

1961માં સ્થપાયેલી આઈઆઈએમ-અમદાવાદ એશિયા પેસિફિક વિસ્તારમાં એક અગ્રગણ્ય બિઝનેસ સ્કૂલ છે. વૈશ્વિક સ્તરે પણ એના કાર્યક્રમોની સરાહના કરવામાં આવે છે. આ સંસ્થાએ તેના બંને કેમ્પસમાં ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટર યુનિટ્સ ઈન્સ્ટોલ કર્યા છે જે દ્વારા કેમ્પસમાં ઉત્પન્ન થતા ઓર્ગેનિક કચરાને ડીકમ્પોઝ કરવામાં આવે છે. આ યુનિટ્સ દ્વારા ડીકમ્પોસ્ડ થયેલા ઉત્પાદનનો ઉપયોગ બગીચાઓમાં ખાતર તરીકે કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના મેસ તથા અન્ય ખાનપાનગૃહોમાં જે ભીનો કચરો ઉત્પન્ન થાય તેને નિયમિત રીતે એએમસી મારફત બાયો-કમ્પોસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. પાનખર ઋતુમાં ઝાડ પરથી જે પાંદડા ખરી પડે એને એકત્ર કરી એનું કુદરતી કમ્પોસ્ટિંગ કરવામાં આવે છે. પાંદડાઓના કમ્પોસ્ટ અને પ્રોસેસ્ડ કરેલા ઉત્પાદનનો ઉપયોગ ઈન્સ્ટિટ્યૂટના પ્રાકૃતિક ભાગોમાં ખાતર તરીકે કરવામાં આવે છે. આમ, ઘણી વનસ્પતિઓને મહાનગરપાલિકાની લેન્ડફિલ્સમાં કચરા તરીકે મોકલવામાં નથી આવતી, પણ તેનો નવા ઉત્પાદન માટે ઉપયોગ કરાય છે. સમગ્ર કેમ્પસમાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ પાડવામાં આવે છે. સંસ્થાએ કેમ્પસમાં મહિલાઓનાં જાજરૂઓમાં ઈન્સિનરેટર્સ બેસાડ્યા છે જેથી સેનિટરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાય.