દિલ્હી-

આઈઆઈટી-ઈન્દોરમાં પ્રાચીન ગણિત-વિજ્ઞાનનો કોર્સ સંસ્કૃત ભાષામાં શરૂ થયો છે. દુનિયાભરમાંથી 750 વિદ્યાર્થીઓએ એ કોર્સમાં એડમિશન લીધું છે. આ ઓનલાઈન કોર્સ કુલ 62 કલાક ચાલશે અને તે પછી વિદ્યાર્થીઓને વિશેષ સર્ટિફિકેટ અપાશે. અંગ્રેજી મીડિયમ વચ્ચે સંસ્કૃત ભાષામાં પ્રાચીન ગણિત-વિજ્ઞાાન ભણાવવાની આ પહેલ અનોખી સાબિત થશે.

આઈઆઈટી-ઈન્દોરના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે પ્રાચીન ગણિત-વિજ્ઞાાનની સમજ કેળવાય તે માટે એક વિશેષ કોર્સ સંસ્કૃત ભાષામાં ડિઝાઈન કરાયો છે. એમાં 750 વિદ્યાર્થીઓએ એડમિશન લઈને અભ્યાસ શરૂ પણ કરી દીધો છે. દુનિયાભરના વિદ્યાર્થીઓએ આ કોર્સમાં જોડાવાનો ઉમળકો બતાવ્યો છે. 

ભારતના અદભૂત વૈજ્ઞાનિક ગ્રંથોનો સંસ્કૃતમાં અભ્યાસ એવા ટાઈટલ સાથે 22મી ઓગસ્ટથી કોર્સ શરૂ થયો છે. 2જી ઓક્ટોબરે ગાંધી જંયતીના દિવસે એ કોર્સ પૂરો થશે. આ ઓનલાઈન કોર્સ અંતર્ગત કુલ 62 કલાકનું શિક્ષણ અપાશે. ધ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના આ કોર્સને વિશેષ મંજૂરી આપી છે. કોર્સ પૂરો કરનારા વિદ્યાર્થીઓને ખાસ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

આઈઆઈટી-ઈન્દોરના ડિરેક્ટર નીલેશ કુમારે કહ્યું હતું કે ભારતના સંસ્કૃત વિદ્વાનોએ ગણિત અને વિજ્ઞાનમાં ઘણાં સિદ્ધાંતો આપ્યા હતા. આપણી પાસે એવો સમૃદ્ધ વારસો છે. તેનાથી દુનિયાભરના ગણિત-વિજ્ઞાનના જિજ્ઞાસુઓ પરિચિત થાય તે હેતુથી આ કોર્સ ડિઝાઈન કરાયો છે. 

આઈઆઈટી-ઈન્દોરના કહેવા પ્રમાણે કોર્સ બે તબક્કામાં શીખવવામાં આવશે. પહેલાં તબક્કામાં સંસ્કૃતની સમજ અપાશે. તે પછી સંસ્કૃતમાં ભાસ્કરાચાર્ય, વરાહ મિહિર જેવા વિદ્વાનોના ગ્રંથોમાંથી વૈજ્ઞાાનિક સિદ્ધાંતો સંસ્કૃતમાં સમજાવાશે.