વડોદરા, અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં તેનું મેન્યુફેકચરિંગ યુનિટ કર્ણાટકમાં શરૃ કરશે તેવી જાહેરાત કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ જાહેરાત કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રીની જાહેરાતથી ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હિકલ ક્ષેત્રે મેન્યુફેકચરિંગ હબ બનાવવાના અભિયાન ઉપર બ્રેક વાગશે તેમ બહાર આવ્યું છે. ગુજરાતમાં ટેસ્લાના પ્લાન્ટ માટે રાજ્ય સરકારે તમામ પ્રકારની સહાય આપવાની આપેલી ખાતરી છતાં કર્ણાટક ઉપર પસંદગી ઉતારી છે ત્યારે ઇલેક્ટ્રિકલ વ્હિકલ એન્સિલિયરી પ્લાન્ટ ગુજરાતમાં આવવાના બદલે હવે કર્ણાટકમાં જશે તેથી કાસ્કેડિંગ ઇફેક્ટ પડશે તેમ ઓટો સેકટરના નિષ્ણાતો માને છે.જાેકે હજી ગુજરાત સરકાર ટેસ્લા કંપની દ્વારા સત્તાવાર જાહેરાત શું કરવામાં આવે છે તેની રાહ જાેઇ રહી છે. ટેસ્લા કંપનીએ આ જાહેરાત અંગે હજી કોઇ ટિપ્પણી કરી નથી. એલન મસ્કની આ કંપની ભારતમાં આવી રહી છે ત્યારે વિશ્વના ઇવી ઓટો સેકટરમાં પણ ભારતનું સ્થાન મજબૂત બનશે.

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતના દાવા મુજબ ઇલેક્ટ્રિકલ વ્હિકલ માટે ટેસ્લાનો પ્રવેશ મહ્‌ત્વનો સાબિત થશે. ૨૦૦૮માં એપલના આઇ ફોન લોંચિંગ વખતે પ્રિમિયમ બ્રાન્ડ કહેવાતી હતી જે હવે સામાન્ય ગ્રાહકો પણ ઉપયોગ કરે છે તેવી ઘટનાનું પુનરાવર્તન ટેસ્લાના ઇલેક્ટ્રિક વ્હિકલ ભારતમાં રજૂ થતાં આવશે તેમ જણાવાય છે. મેકેન્સીના રિપોર્ટ મુજબ ભારતમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ ૧ ટકા કરતાં પણ ઓછો છે, ૨૦૩૦ સુધીમાં ૩૦ ટકા સુધી લાવવા માટે ભારત સરકારનું લક્ષ્યાંક છે. જાેકે આ યોજનામાં ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને કોમર્શિયલ વાહનો ઉપર છે. સરકાર ટેક્સ બેનિફિટ આપે છે, સરકારે ઇવી ફેસ – ૨ માટે ઝડપથી વિવિધ મંજૂરીઓ આપવાનું શરૃ કર્યું છે. સરકારે ઇવીને પ્રોત્સાહન આપવા માટે ૨૦૨૨ સુધી રૃ.૧૦ હજાર કરોડની ફાળવણી સરકારે કરી છે. ટેસ્લાનો પ્રથમ પ્લાન્ટ અમેરિકાની બહાર ભારતમાં સ્થપાશે. બેંગલુરૃ નજીક ટેસ્લાનો પ્લાન્ટ ઉભો થશે તેમજ ટેસ્લાએ તેની ભારતીય કંપનીનું રજિસ્ટ્રેશન પણ કર્ણાટક ખાતેથી જ નોંધાવ્યું છે. હવે આર એન્ડ ડી વિભાગ તથા પ્લાન્ટ પણ કર્ણાટકમાં જ સ્થપાશે.