રાજકોટ-

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ હવે ટોચના તબક્કા ઉપર પહોંચી જતા અને મૃત્યુ આંક અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બીજી તરફ અહીં એલોપથીના ૧૨૦ ડૉક્ટરોને કોરોનાને ચેપ લાગતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અહીંના ૧૮૦૦ એલોપેથિક ડૉક્ટરો માટે રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈન્ડીયન મેડીકલ એસોસીએશને જારી કરેલા રેડ એલર્ટમાં જણાવ્યા મૂજબ વસ્તી મૂજબ સૌથી વધારે કોરોના કેસો સાથે રાજકોટ હવે રાજ્યમાં નવું હોટ સ્પોટ બન્યું છે.

આજ સુધીમાં ૧૦૦થી વધુ તબીબો અને ફ્રેશ સહિત ૧૨૦થી ૧૨૫ તબીબો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્્યા છે. અનેક ડોક્ટરો પોતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે. આઈ.એમ.એ.ના હેડ ક્વાર્ટર દ્વારા બે માસ અગાઉ રાષ્ટ્રવ્યાપી રેડએલર્ટ જારી કર્યુ હતું, તે વખતે મુંબઈ અને અમદાવાદમાં ડોક્ટરો વધુ સંક્રમિત થયા હતા અને રાજકોટમાં સ્થિતિ નિયંત્રણમાં હતી,

પરંતુ, હવે રાજકોટમાં કોરોના સહિત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો પર જાેખમ અનેકગણુ વધી ગયું છે. તબીબોને સ્ટાન્ડર્ડ માસ્ક, ગ્લોવ્ઝ, કેપ, એપ્રનનો પૂરો સમય ઉપયોગ કરવા ,કેટલાક ડોક્ટરો દર્દીથી દૂર થાય અને સ્ટાફ સાથે હોય ત્યારે આ દૂર કરતા હોય છે પણ દરેકને ચેપગ્રસ્ત માનીને ચાલવા દર્દીઓ તેમજ સગાસંબંધીઓથી પણ સલામત અંતર જાળવવા સહિતની માર્ગદર્શિકા એસોસિએશન દ્વારા જારી કરવામાં આવી છે.