નવી દિલ્હી -

રાજધાનીમાં કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહેલા ખેડૂતના આંદોલનનો આજે ૫૧મો દિવસ છે ત્યારે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટો થવાની છે. આ વાટાઘાટો થાય એ પહેલાં ગુરુવારે સુપ્રીમે જેમનું નામ કમિટિના એક સભ્ય તરીકે સૂચવ્યું હતું એવા, ભૂપિન્દર સિંઘ માને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ દ્વારા મત વ્યક્ત કરાયો છે કે, ભારતમાં કૃષિ કાનૂનો લાગુ કરાશે તો, તેના દ્વારા ખેતીમાં સુધારાના રસ્તાઓ ખૂલશે. આ સંસ્થાના કમ્યુનિકેશન ડાયરેક્ટર ગેરી રાઈસનું કહેવું હતું કે, નવા કાનૂન ખેડૂતો માટે ઘણા મદદરુપ પૂરવાર થશે. ખેડૂતો દલાલો વિના જ પોતાનો માલ વેચી શકશે અને તેનાથી ગામડાંનો વિકાસ થશે.

વાટાઘાટો પહેલાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, ખેડૂતો ૨૬મી જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લાથી ઈન્ડિયા ગેટ સુધી રેલી કાઢશે. ત્યારબાદ ખેડૂતો અમર જવાન જ્યોતિ ખાતે ત્રિરંગો ફરકાવશે અને આ ઐતિહાસિક ઘટના હશે કેમ કે, એક તરફ ખેડૂતો હશે અને બીજીબાજુ જવાનો. દરમિયાનમાં પંજાબના મુખ્યમંત્રી અમરીંદર સિંઘે પણ માંગ કરી છે કે, સરકાર કૃષિ કાનૂનોને પાછા ખેંચી લે તેનાથી ઓછું કશું ખપતું નથી.