છોટાઉદેપુર, મધ્યપ્રદેશ સરહદી ગુજરાત નો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે. ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી ના અગાઉ ના સપ્તાહ માં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીં ના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળી ના તહેવાર માટે ની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલ ના તાલે નાચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે.ખાસ કરીને જુવાનિયા ઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદી ના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે. એક જ ડિઝાઇન ના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયા ની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગ ના કપડાં પહેરવા માટે નો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટ ની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે.