વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીમાં ગત ૨૦૧૫ની ચૂંટણીઓમાં થયેલા અનુભવને ધ્યાનમાં રાખીને તમામે તમામ ૧૯ વોર્ડની ૭૬ બેઠકોમાં ડમી ઉમેદવારોને ઉભા રાખવાનો કોંગ્રેસ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે. આથી ફોર્મ ભરતી વખતે તમામને ઉમેદવારી કરાવાશે. ત્યારબાદ ઉમેદવારીપત્રો મંજુર થયા પછીથી ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે પક્ષ દ્વારા જ માન્ય ઉમેદવારો સિવાયના ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચવામાં આવશે. જેથી કરીને અંતિમ ઘડીયે પક્ષના એકપણ ઉમેદવાર પક્ષની જાણ બહાર ઉમેદવારીપત્ર પરત ખેંચીને હરીફ પક્ષને ફાયદો કરાવે નહિ. આમ ગત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને થયેલા વરવા કડવા અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે પાણી પહેલા પાળ બાંધવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસનો તમામ બેઠકો પર ડમી ઉમેદવારને ફોર્મ ભરાવવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉભા રખાયેલા ઉમેદવાર પ્રફુલ્લગીરી ગોસ્વામીએ ઉમેદવારીપત્ર ભર્યા પછીથી ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે પક્ષની જાણ બહાર અને ચર્ચા મુજબ ટોચના નેતાના કહેવાથી ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું. જેને લઈને ભાજપના ભરત ડાંગરને મેયરપદ પ્રાપ્ત કરવાનો માર્ગ સીધો થઇ ગયો હતો. કોંગ્રેસને માટે જે તે સમયે ઘર ફૂટે ઘર જાય એવી સ્થિતિ સર્જાવા પામી હતી. એના પરથી પદાર્થપાઠ લઈને આ વખતની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા તમામે તમામ ૭૬ બેઠકો પર ડમી ઉમેદવાર ઉભા રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

 પાલિકાના ઉમેદવારોની પસંદગી માટે રવિવારથી કોંગ્રેસની બેઠક

વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા રવિવાર ૩૧ જાન્યુઆરીથી પ્રદેશ કક્ષાએ મુખ્ય કાર્યાલય ખાતે બેઠક મળશે. જેમાં વ્યાપક ચર્ચા વિચારણાઓના અંતે પ્રદેશના પ્રભારી અને મોવડીઓએ મુક્કરર કરેલ ધોરણે ઉમેદવારોની પસંદગી કરવાને માટેનો આખરી ર્નિણય લેવામાં આવશે. આ ઉપરાંત ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને બળવાખોરી કરનારાઓ અને અસંતુષ્ઠોને માણાવવાને માટે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે. જે અંતર્ગત પક્ષના વરિષ્ઠ સભ્યો દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના સક્રિય પ્રયાસો કરાશે.વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ અને પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ -ભથ્થું આ મિટિંગમાં હાજરી આપવાને માટે જશે. આગામી બેથી ત્રણ દિવસમાં કોંગ્રેસ દ્વારા પાલિકાના તમામ ૧૯ વોર્ડના ૭૬ ઉમેદવારોની યાદીને મનોમંથન કરીને આખરી ઓપ આપવામાં આવશે.