મુંબઈ-

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિશેષ કોર્ટના જજ વી સી બર્ડેએ ગયા અઠવાડિયે આ આદેશ આપ્યો છે. વિગતવાર ઓર્ડર આજે ઉપલબ્ધ થયો છે. નીરવ મોદીની બે કંપનીઓને ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ અને ફાયરસ્ટાર ઈન્ટરનેશનલને ક્રેડિટ સુવિધા પૂરી પાડવા માટે બેન્ક પાસે ગિરવે રાખવામાં આવેલી માલમતા પાછી મળે તે માટે પીએનબીએ જુલાઈ ૨૦૨૧માં અનેક અરજીઓ કરી હતી.

પીએનબીએ વ્યક્તિગત ફરિયાદી અને પીએનબી સંઘના મુખ્ય બેન્ક અને યુબીઆઈ સંઘના અધિકૃત પ્રતિનિધિ તરીકે અરજી દાખલ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જપ્ત કરવામાં આવેલી ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીની રૂ. ૪૪૦ કરોડની માલમતા પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને પાછી સોંપવા માટે માન્યતા આપવામાં આવી છે. મુંબઈની વિશેષ કોર્ટે પીએનબીને રૂ. ૪૪૦ કરોડની માલમતા પાછી સોંપવા માટે પરવાનગી આપી છે. નીરવ મોદી અને તેનો કાકો મેહુલ ચોકસી પર જાહેર ક્ષેત્રની બેન્ક પીએનબીના રૂ. ૧૪,૦૦૦ કરોડની છેતરપિંડી કર્યાનો આરોપ છે. કોર્ટે રૂ. ૧૦૮.૩ કરોડની એફઆઈએલ અને રૂ. ૩૩૧.૬ કરોડની એફડીઆઈપીએલ સહિતની માલમતા પીએનબીને મંજૂર કરવા અંગે બે અરજીઓને પરવાનગી આપી છે. અરજદાર (બેન્ક)ને થયેલું નુકસાન ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. તેમણે પીએનબીની બાજુથી ર્નિણય આપ્યો છે, એમ કોર્ટે નોંધ કરી છે. તપાસ દરમિયાન ઈડીએ નીરવની અનેક માલમતા જપ્ત કરી હતી, જે નીરવે કુટુંબના સભ્યોના માધ્યમથી અને અમુક કંપનીઓ દ્વારા મેળવી હતી. નીરવની અનેક માલમતા ડિસેમ્બર ૨૦૧૯માં તેને ફરાર આર્થિક ગુનેગાર ઘોષિત કર્યા પછી જપ્ત કરવામાં આવી હતી. બેન્ક અને કરજ આપનારી બેન્કોના સંઘે જપ્તિનો વિરોધ કર્યો હતો, કારણ કે નીરવ અને ચોકસીએ કરારપત્ર મેળવવા માટે તેમની પાસે આ માલમતા ગિરવે મૂકી હતી. જાે તેમને ભવિષ્યમાં માલમતા અથવા તેમનું મૂલ્ય પાછું કરવાના નિર્દેશ આપવામાં આવે તો તે પાછું કરશે, એમ કોર્ટે પીએનબીને લેખિત સ્વરૂપમાં આપવા કહ્યું છે.