ગાંધીનગર-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ધો.12 ની પરીક્ષાના કાર્યક્રમ અનુસાર 1 જુલાઇથી પરીક્ષા શરૂ થશે જેમાં એક જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર હશે જ્યારે 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન, 5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાના પેપર લેવાશે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવાશે.


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.