વડોદરા : તાજેતરમાં જ શહેરના રાજકારણીઓ અને કોર્પોરેશનના ઉચ્ચ હોદ્દેદારોએ શહેરમાં કોરોનાના દર્દીઓના મોત અંગેની સાચી વિગતો બહાર ન આવતી હોવાના આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોને પગલે આજે વડોદરામાં કોરોના માટે નિમાયેલા ફરજ પરના ખાસ અધિકારી ડૉ. વિનોદ રાવ શહેરના ત્રણ સ્મશાનગૃહોની મુલાકાતે દોડી ગયા હતા. તેમની મુલાકાત બાદ છેલ્લા ૧૯ દિવસમાં વડોદરા બહારના કુલ ૧૬૦ મૃતકોની કોવિડ-૧૯ના પ્રોટોકોલ પ્રમાણે શહેરના સ્માશાનગૃહો અને કબ્રસ્તાનોમાં અંતિમવિધિ કરાઈ હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં જ કરાયેલા આક્ષેપો અને શહેરમાં દિવસે દિવસે વણસી રહેલી કોવિડની પરિસ્થિતિ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે શહેર બહારના આંકડા જાહેર કરવામાં આવ્યા હોવાનું લોકો માની રહ્યા છે.

શહેરના ધારાસભ્યો સહિતના રાજકારણીઓએ શહેરમાં કોરોનાને કારણે થતા મોતના સાચા આંકડા જાહેર ન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. ત્રણ દિવસ અગાઉ કરવામાં આવેલા આ આક્ષેપો બાદ આજે એકાએક શહેરમાં કોરોના માટે નિમાયેલા ફરજ પરના ખાસ અધિકારી ડૉ. વિનોદ રાવે શહેરના ત્રણ સ્મશાનગૃહોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ડૉ.રાવની આ મુલાકાત બાદ તંત્ર દ્વારા સપ્ટેમ્બર મહિનાના ૧૯ દિવસ દરમિયાન વડોદરા શહેરના સ્મશાનગૃહો અને કબ્રસ્તાનો ખાતે આસપાસના ૭ જીલ્લાઓ અને મધ્ય પ્રદેશના ફૂલ ૧૬૦ મૃતકોની અંતિમવિધિ કોવિડ-૧૯ના પ્રોટોકોલ ને અનુસરીને કરવામાં આવી હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ મૃતકોમાં કોવિડ પોઝિટિવ અને શંકાસ્પદ તેમજ કોવિડ થી સાજા થયા બાદ મૃત્યુ પામેલાઓનો સમાવેશ થાય છે. આ મૃતકો ભરૂચ, આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,નર્મદા અને મહીસાગર જીલ્લાઓ તેમજ મધ્ય પ્રદેશના હતાં. તેમના મરણ વડોદરાના દવાખાનાઓમાં થયાં હોવાથી તકેદારીના ભાગરૂપે આ લોકોની અંતિમ વિધિ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે શહેર બહારથી સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી હોય છે. એવામાં જો માત્ર ૧૯ દિવસમાં જ ૧૬૦ દર્દીઓની કોવિડ-૧૯ના પ્રોટોકોલ પ્રમાણે શહેરમાં અંતિમવિધિ કરવામાં આવી હોય, તો આ જ ૧૯ દિવસમાં શહેરમાં રહેતા હોય એવા ૨૫૦થી વધુ દર્દીઓના મોત નિપજ્યા હોય, એ શંકા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પરથી લોકોનું ધ્યાન હટાવવા અને શહેરના સ્મશાનગૃહોમાં અંતિમવિધિ માટે લાગતી લાંબી કતારો શહેર બહારના દર્દીઓને કારણે થતી હોવાનું સાબિત કરવા માટે આ ગતકડું રમાયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સ્મશાનગૃહોના કર્મચારીઓને ‘જાહેર સન્માન’ની લોલીપોપ!

કોરોના મહામારી દરમ્યાન તબીબો બાદ સૌથી કપરી કામગીરી સ્મશાનગૃહોના કર્મચારીઓ કરી રહ્યા છે. આ કર્મચારીઓ દિવસ રાત મહેનત કરીને સંક્રમણના ભય વચ્ચે કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ મૃતકોની અંતિમવિધિ કરતા હોય છે. આ કર્મચારીઓને કોરોનાનો તો ભય રહે જ છે, સાથે સાથે અંતિમક્રિયા કરતી વખતે ચામડી પર રિએક્શન થવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા. જોકે, સંક્રમણના કિસ્સામાં આ કર્મચારીઓને મેડિક્લેઈમ મળે અથવા તો સારી ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવાની જગ્યાએ ડૉ. રાવે તેમની કામગીરીને માત્ર બિરદાવીને પરિસ્થિતિ થાળે પડ્યા બાદ તેઓનું ‘જાહેર સન્માન’ કરવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. આ કર્મચારીઓ અગાઉથી જ પોતાની માંગોને લઈને રજૂઆતો કરતા હોવા છતાં માત્ર આ લોલીપોપ પકડાવી દેવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.