અમદાવાદ-

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે માં કાર્ડ તથા પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ એક આશીર્વાદ સમાન બન્યું છે, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ બન્ને કાર્ડને એક કરીને પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ નામ આપવામાં આવ્યું છે, આ સાથે જ ગુરૂવારે કોરોના મહામારીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માં કાર્ડ ધારકોને ફક્ત ગણતરીના કલાકોમાં જ સહાયની રકમ જમા કરવામાં આવશે.

જો કોઈપણ વ્યક્તિને આરોગ્ય કાર્ડ કઢાવવું હોય તો જે તે આરોગ્ય સંસ્થા અથવા તો PHC /CHC સેન્ટરમાં જઈને કાર્ડ ઇશ્યૂ કરાવી શકે છે અને કાર્ડ ઇશ્યૂ થયાના 2 થી 3 દિવસ બાદ કાર્ડમાં રાજ્ય સરકારના નોટિફિકેશન પ્રમાણે 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેથી ઇમર્જન્સી અથવા તો ત્યારબાદના ગાળામાં જો વ્યક્તિ દાખલ થાય તો તે સહાયનો ઉપયોગ કરી શકે, પરંતુ હવે વ્યક્તિ જ્યારે માં કાર્ડ નવું ઈશ્યૂ કરશે ત્યારે ગણતરીના કલાકોમાં જ આ 5 લાખ રૂપિયાની સહાય તાત્કાલિક ધોરણે જમા કરાવવામાં આવશે.રાજ્ય સરકારના આ નિયમથી ઇમર્જન્સીમાં કાર્ડ ઇશ્યૂ કરીને ગણતરીના કલાકોમાં જ સહાયની રકમ જમા કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે સારવાર પણ થઈ શકશે. હોસ્પિટલમાં અને એજન્સીઓમાં જે જગ્યાએ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, ત્યાં આરોગ્ય મિત્રની પણ નિમણૂક કરવામાં આવશે.

 રાજ્ય સરકારે આ માં કાર્ડ માટે ખાસ ગ્રીન કોરિડોર સિસ્ટમ તૈયાર કરી છે.અત્યાર સુધી સહાય માટે 2 દિવસ જેટલો સમય લાગતો હતો, પરંતુ હવે આ ગ્રીન કોરિડોરની સિસ્ટમની સહાયથી લાભાર્થીને માત્ર 3 કલાક કરતા ઓછા સમયમાં સહાય પ્રાપ્ત થશે.