બેંગ્લુરુ-

કેરળમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કર્ણાટકમાં પણ કોરોના બ્લાસ્ટ જાેવા મળ્યો છે. અહીં એક કોલેજના 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક અપાર્ટમેન્ટમાં એક સાથે 103 લોકો કોરોના સંક્રમિત થયા છે.

બેંગલુરુની મંજુશ્રી કોલેજ ઓફ નર્સિંગના 210 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 18 વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઈસોલેશનમાં રખાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના છે.

આ બાજુ બેંગલુરુના જ બોમનહલ્લીમાં એસએનએન રાજ લેકવ્યૂ અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના સંક્રમિત મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમાંથી 96 લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. હાલમાં જ આ એપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી અને ત્યારબાદ આ લોકોની કોરોના તપાસ કરવામાં આવી. જેમાંથી આટલા મોટા પાયે લોકો કોરોના સંક્રમિત થયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા કમિશનરે આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દિશામાં જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

કોરોના સંક્રમિતોમાં ૯૬ તો એવા લોકો છે જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. જેને લઈને ભારે ચિંતા છે. સ્વાસ્થ્ય કર્મીઓ વૃદ્ધોની સાથો સાથ ગર્ભવતી મહિલાઓ પર પણ નજર રાખી રહ્યાં છે. જાેકે આ આખી ઘટના સામે આવતા આખા વિસ્તારમાં ડરનો માહોલ છે. કારણ કે આ સંક્રમિતો આસપાસના વિસ્તારમાં બિંદાસ્ત રીતે ફર્યા હતા. ભલે આ બધુ અજાણતા જ થયુ હોય પરંતુ લોકો ભયના ઓથાર હેઠળ છે.

કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ કર્ણાટકે કેરળથી આવતા લોકોને લઈને સતર્કતા વધારી છે. રાજ્ય પ્રશાસનના જણાવ્યાં મુજબ કેરળથી કર્ણાટકની હોટલ, રિઝોર્ટ, હોસ્ટેલ અને કોઈ પણ ઘરમાં રોકાવવા માટે 72 કલાક પહેલા નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ હોવો જરૂરી છે.