વડોદરા : વડોદરા શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાની સારવાર લઈ રહેલા આજે વધુ ૧૨ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે નવા વધુ ૧૨૦ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૭૪૬૦ થઈ હતી. સેવા સદનની આરોગ્ય વિભાગની ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ એક દર્દીને કોરોનામાં મૃત્યુ થયાનું જાહેર કરતાં કોરોનાનો મૃત્યુઆંક ૧૩૪ થયો હતો. હાલ શહેરની અલગ અલગ સરકારી, ખાનગી અને અર્ધસરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૫૮૧ દર્દીઓમાં ૧૩૫૫ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું તેમજ ૧૬૫ દર્દીઓ ઓક્સિજન પર અને ૬૧ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે ૪૦ દર્દીઓને સારવાર દરમિયાન કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં ચાર દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી, ૧૮ ખાનગી હોસ્પિટલમાંથી, ૧૮ હોમ ક્વોરન્ટાઈનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.  આજે શહેરના માંજલપુર, કારેલીબાગ, પાણીગેટ, વાઘોડિયા રોડ, દંતેશ્વર, ગોરવા, નિઝામપુરા, વાડી, વીઆઈપી રોડ, દાંડિયા બજાર, આજવા રોડ, વાસણા-ભાયલી રોડ સહિત ર૩ વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્યના સાવલી, ડભોઈ, શિનોર, કરજણ, પાદરા, પોર, કોયલી, દશરથ, સોખડા અને અંકોડિયામાંથી આજ સાંજ સુધીમાં ૨૩૪૯ શંકાસ્પદ કોરોના વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૦ પોઝિટિવ અને ૨૨૨૯ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. ૧૨૦ પોઝિટિવ દર્દીઓમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાંથી ૩૭, વડોદરા ગ્રામ્યમાંથી ૩૪, પશ્ચિમ ઝોનમાંથી ૨૧, પૂર્વ ઝોનમાંથી ૧૭, ઉત્તર ઝોનમાંથી ૧૧ દર્દીઓ નોંધાયા હતા. વિતેલા કલાકોમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ૧૨ દર્દીઓમાં ૭ શહેરના અને પાંચ શહેર બહારના હોવાનું જાણવા મળ્યું હતું. મોતને ભેટેલા દર્દીઓ મોટાભાગે મોટી ઉંમરનાઓનો સમાવેશ થાય છે.  

આજવા રોડ પર આવેલ આઈટીઆઈ કોલેજના ટ્રસ્ટી કોરોના સંક્રમિત

વડોદરા. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈ કોલેજના ટ્રસ્ટ કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર માટે પાણીગેટ વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોલેજના ટ્રસ્ટ કોરોના સંક્રમિત થતાં અન્ય વ્યક્તિઓ અને પરિવારજનો કોરોના સંક્રમિત ન બને તે માટે તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સેવાભાવી ટ્રસ્ટી કોરોના વોરિયર્સ બનીને પોતાની કોલેજમાં કોવિડ સેન્ટર ઊભું કરીને કોવિડના દર્દીઓની સારવાર કરાવી રહ્યા હતા. આજે તેઓ ખુદ કોરોના સંક્રમિત બનતાં તેમની કોલેજમાં સારવાર લઈ કોરોનામુક્ત બનેલી વ્યક્તિઓ તેમના માટે દુઆ કરી રહ્યા છે.

આઇટીઆઇ ગોરવામાં ૧૦, તરસાલીમાં ૩, દશરથમાં ૧ કર્મચારી પોઝિટિવ

વડોદરા : શહેરમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરની વિવિધ આઇટીઆઇમાં પણ કોરોનાગ્રસ્ત કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની ગોરવા, તરસાલી અને દશરથ આઇટીઆઇમાં કુલ ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, આઇટીઆઇમાં ચાલી રહેલી આરટીઓની કામગીરીના પગલે સંક્રમણ ફેલાયું હોવાનું ચર્ચા કર્મચારીઓમાં ચાલી રહી છે. શહેરમાં આરટીઓ કચેરીની લર્નિંગ સાઇસન્સની કામગીરી આઇટીઆઇમાં સુપરત કરવામાં આવી છે. હાલ આઇટીઆઇના કર્મચારીઓની મદદથી આરટીઓ દ્વારા લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે છે. ત્યારે શહેરની ત્રણ આઇટીઆઇમાં કુલ ૧૪ કર્મચારીઓ કોરોનાના સંક્રમણનો શિકાર બન્યા છે. જેમાં ગોરવા આઇટીઆઇના ૧૦, તરસાલીના ત્રણ જ્યારે દશરથના એક કર્મચારીનો સમાવેશ થાય છે. આઇટીઆઇમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા હોવા છતાં કામગીરી બંધ કરવામાં આવી રહી નથી. જેના પગલે વધુ કર્મચારીઓ તેમજ આરટીઓની કામગીરી માટે આવતા શહેરજનોના સ્વાસ્થય સામે પણ જોખમ ઊભુ થઇ રહ્યું છે.