વડોદરા : વડોદરા શહેર-જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. છતાં કોરોના વાઈરસ આઉટ ઓફ કંટ્રોલ હોય તેમ નજરે પડી રહ્યો છે. દિનપ્રતિદિન કોરોનાની સંખ્યામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. આજે વિતેલા કલાકોમાં શહેરના એક ધારાસભ્ય અને તેમના પત્ની તથા શહેરના ચાર દરવાજાના ૧૨ જેટલા વેપારીઓ સહિત આજે ૧૨૭ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેથી કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૯૪૨૨ ઉપર પહોંચી હતી. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૯નાં બિનસત્તાવાર મોત નીપજ્યાં હોવાનું જાણવા મળેલ છે. ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ એક દર્દીને કોરોનામાં મોત થયું હોવાનું જાહેર કરાવમાં આવતાં મૃતક દર્દીઓની સત્તાવાર કુલ સંખ્યા ૧૫૮ ઉપર પહોંચી હતી. જ્યારે બિનસત્તાવાર મૃતક દર્દીઓની સંખ્યા ૬૦૦ સુધી પહોંચી હોવાનું જાણવા મળેલ છે. 

શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૩૧૪ દર્દીઓમાં ૧૧૨૦ દર્દીઓની હાલત સુધાર પર, ૧૪૩ ઓક્સિજન ઉપર, ૫૧ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાની વૈશ્વિક મહામારીથી લઈને અત્યાર સુધી વડોદરા શહેર-જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા ૧૦,૦૦૦ નજીક પહોંચવાની નજીક છે. એટલે કે હાલ દર્દીઓની કુલ સંખ્યા ૯૪૨૨ પર પહોંચી છે. આજે ૧૫૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૭૯૫૦ થઈ હતી. વિતેલા કલાકોમાં આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના ગોત્રી રોડ, વાઘોડિયા રોડ, ન્યુ સમા રોડ, આજવા રોડ, બાપોદ, માંડવી, અકોટા, દિવાળીપુરા, તાંદલજા, અટલાદરા, સમા, ફતેપુરા, સુભાનપુરા સહિત ૨૩ વિસ્તારો અને ગ્રામ્યના પાદરા, ઊંડેરા, કરજણ, ડભોઈ, શિનોર, સાવલી, બિલ, મંજુસર, કરોડિયા સહિતમાંથી કુલ ૩૧૧૪ શંકાસ્પદ કોરોનાની વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૧૨૭ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ૨૯૮૭ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે પોઝિટિવ આવેલા ૧૨૭ રિપોર્ટ પૈકી સૌથી વધુ ગ્રામ્યમાં ૩૯, ઉત્તર ઝોનમાં ૨૭, પશ્ચિમ ઝોનમાં ૨૩, દક્ષિણ ઝોનમાં ૨૧, પૂર્વ ઝોનમાં ૧૭ દર્દીઓ નોંધાયા હતા.

યુનિ.લાઇબ્રેરીયન કોરોનાગ્રસ્ત થયા

એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે.અત્યાર સુધી યુનિવર્સિટીમાંથી ૪૦થઈ વધુ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. જ્યારે તાજેતરમાં જ એક કર્મીનું મોત પણ નિપજી ચૂક્યું છે. એવામાં આજે યુનિવર્સિટીની હંસા મહેતા લાઈબ્રેરીના હેડ લાઈબ્રેરીયનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા યુનિવર્સિટી બેડામાં ચકચાર મચી જવા પામી છે. હેડ લાઈબ્રેરીયન કોરોનાનાં સકંજામાં જકડાતા લાઇબ્રેરીમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા અને એમના પત્ની કોરોના સંક્રમિત

વડોદરા ઃ વડોદરાના શહેર વાડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ રાજ્ય પુરવઠા નિગમના અધ્યક્ષ ભુપેન્દ્ર લાખાવાલા અને તેઓના પત્ની કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યા તેઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના અગ્રણીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહીત ભાજપના ૧૦૦ ઉપરાંત કાર્યકરોને કોરોના થયા પછીથી ભાજપના કાર્યકરોમાં ભયની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે.અલબત્ત સમગ્ર રાજ્યની તુલનાએ વડોદરામાં આનું પ્રમાણ નહિવત હોવાનું ભાજપના અંતરંગ સૂત્રોએ ઉમેર્યું હતું.

ચાર દરવાજા વિસ્તારમાં ૧૨ વેપારીઓ સંક્રમિત

શહેરમાં નિરંઅકુશ બનેલા કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે શહેરના ચાર દરવાજાના વેપારીઓ પણ બાકાત રહ્યાં નથી. ઘડિયાળી પોળમાં સંખ્યાબંધ સોનીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ ચાર દરવાજાના ૧૨ જેટલા વેપારીઓ સંક્રમિત થયા છે. જેના કારણે અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આ વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરાવવા માટે વેપારીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે.