અમદાવાદ

લુંખ્ખા તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. શાહીબાગ હેડ કવાર્ટસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રાત્રે ફરજ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ પોલીસ કર્મી સાથે ઝઘડો કરી ઢોર માર મારી ઈજાગ્રસ્ત કરીને પોલીસ કર્મી પાસેથી મોબાઇલ, આઈ-કાર્ડ સહિ‌ત રોકડની લૂંટ ચલાવી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ચારેય આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબીગ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા અને ચાંદખેડાના ભુલાભાઈ પાર્કમાં રહેતા પોલીસ કર્મી રાહુલ ડોડીવાડિયા શુક્રવારે રાત્રીના સમયે પોતાની ફરજ બજાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, દરમિયાન માનસરોવર પાણીની ટાંકી પાસે પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવીને ગેરવર્તન કરવા લાગ્યો હતો. જેથી રાહુલભાઈ તેને સમજાવી રહ્યા હતા ત્યારે બીજા ત્રણ યુવકો ત્યાં આવ્યા હતા અને અહીંથી કેમ નિકળ છે તેમ કહીને ચારેય શખ્સોએ પોલીસ કર્મી રાહુલ સાથે ઝઘડો કરીને મારમારવાનું શરૂ કરી દીધુ હતુ. જેથી રાહુલ ડોડીવાડિયાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક યુવકે તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. આ પછી ચારેય યુવકોએ તેનો મોબાઇલ ફોન અને રોકડ અને પોલીસનું આઈકાર્ડ લૂંટ કરી મારઝુડ કરીને ફરાર તઈ ગયા હતા. જો કે આ ઘટના પછી આસપાસના લોકોને જાણ થઈ હોવાથી તે લોકોએ રાહુલ ડોડીવાડિયાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બીજી બાજુ ચાંદખેડા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં ચાર અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.