અમદાવાદ

રાત્રી કફ્ર્યૂથી શહેરના સૂમસામ રસ્તા વચ્ચે વર્ષ ૨૦૨૧નું ચૂપકે સે આગમન થયું છે. પોલીસે રાતે ૯ વાગ્યાથી જ પોલીસે કડક ચેકીંગ શરુ કરીને દારુનો નશો કરીને નીકળેલાં તેમજ રાત્રી કફ્ર્યૂનો ભંગ કરનારાં ૨૦૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. ઝોન-૭ પોલીસે બે કલાકમાં ૧૦૦થી વધુ લોકોને ઝડપી લીધાં હતાં. સોલા પોલીસે એક જ કલાકમાં ૩૦ લોકોને ઝડપી લીધાં હતાં. તો, ઘાટલોડિયા પોલીસે ૧૦થી વધુ લોકોને ઝડપી લીધાં હતાં. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતાં આશ્રમ રોડ અને નવા પશ્ચિમ વિસ્તારને જાેડતાં એસ.જી. હાઈવે પર પોલીસે રાતભર ચૂસ્ત ચેકીંગ કર્યું હતું. શહેરની બહારના ફાર્મહાઉસો કે શહેર, બહારના બંગલામાં પાર્ટીમાંથી પાછા ફરતાં લોકોને ઝડપી લેવા પોલીસને આખી રાત સ્ટેન્ડ-ટુ રખાઈ છે. ૩૧ ડીસેમ્બરની રાતે પોલીસ સ્ટેન્ડ-ટુ હતી તેવા સંજાેગોમાં પણ એલીસબ્રિજના ભૂદરપુરા વિસ્તારમાં બે ટોળાં વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી.

રાતે એકઠાં થયેલાં યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થયાં પછી બે જૂથના ટોળાં સામસામે આવી ગયાં હતાં. મામલો બિચક્યો હતો અને બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. એલીસબ્રિજ પોલીસની ટીમ ઉપરાંત ઝોન-૭ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટોળાંને વિખેરી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વિશાલા સર્કલ પાસેથી પોલીસે મોંઘીદાટ ગાડીઓ ઝડપી લીધી હતી. કોરોનાના કારણે રાત્રી કફ્ર્યૂ અમલમાં હોવા છતાં હમ નહીં સૂધરેંગેનું વલણ અખત્યાર કરી અનેક લોકો રાતે ટહેલવા નીકળી પડતાં પોલીસની ઝપટમાં ચડી ગયાં હતાં. ઝોન-૭ ડીસીપી પ્રેમસૂખ ડેલુ અને સાત પોલીસ સ્ટેશનની ટીમોએ સપાટો બોલાવીને બે કલાકમાં જ ૧૦૦ લોકોને ઝડપી લીધાં હતાં. સરખેજ, વેજલપુર, વાસણા, એલીસબ્રિજ, પાલડી, આનંદનગર અને સેટેલાઈટ પોલીસે ૫૦ દારુ પિધેલા શખ્સો ઉપરાંત કફ્ર્યૂ છતાં રખડવા નીકળી પડેલા ૬૦ લોકોને ઝડપી લઈ તેમના વાહન ડીટેન કરવા ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુના નોંધ્યાં હતાં. પશ્ચિમ વિસ્તારના ઝોન-૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલા પોલીસે એક જ કલાકમાં ૩૦ કેસ કરી સપાટો બોલાવ્યો હતો.