અમદાવાદ

શહેરના ફતેવાડી વિસ્તારમાં બે શખ્સો એક મહિલાને જોઈ બિભત્સ ઈશારા કરી છેડતી કરી રહ્યા હોવાથી મહિલાએ તેના પતિને આ અંગે જાણ કરી ત્યારે પતિ આ બંન્ને શખ્સોને સમજાવવા માટે ગયા ત્યારે ઉશ્કેરાયેલા બંન્ને શખ્સે પતિ સાથે મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફતેવાડીમાં એક મહિલા તેના પતિ સાથે રહે છે. રવિવારે બપોરના સમયે મહિલા અને તેના પતિ ઘરે હાજર હતા. દરમિયાન કચરો નાખવાની ગાડી આવતા મહિલા કચરો નાખવા માટે ગઈ ત્યારે એક એક્ટિવા પર અશરફશેખ અને તેનો મિત્ર ત્યાં આવ્યા હતા અને મહિલાની નજીક એક્ટિવા લઈ જઈને એક્ટિવાનો હોર્ન મારીને બિભત્સ ઈશારાઓ કરીને ગંદી કોમેન્ટ કરવા લાગ્યા હતા. જેથી મહિલા તેના ઘરેમાં ચાલી ગઈ હતી અને બાદમાં તેણે તેના પતિને આ અંગેની જાણ કરી હતી. જેથી પતિ અશરફ શેખ અને તેના મિત્રને સમજાવવા માટે ગયા ત્યારે આ બંન્ને મહિલાના પતિ પર ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરી ગાળો બોલી મારઝુડ કરવા લાગ્યા હતા. જો કે આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ જતા મહિલાના પતિને વધુ માર મારવાથી બચાવ્યા હતા. બીજી બાજુ આ બંન્ને શખ્સો ધાકધમકી આપતા હતા કે, હવે સામે આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહીને બંન્ને ફરાર થઈ ગયા હતા. બાદમાં મહિલા ત્યાં આવી પહોંચી ત્યારે તેણે તેના પતિની હાલત જોઈ જણાવ્યું હતું કે, અશરફશેખ છેલ્લા એક મહિનાથી અવાર નવાર હેરાન કરતો હતો. જેથી આ અંગે મહિલાએ વેજલુપુર પોલીસ સ્ટેશનમાં અશરફશેખ અને તેના મિત્રના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.