અમદાવાદ, અમદાવાદમાં ઘરફોડ અને લૂંટના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે શહેરના સાબરમતિ વિસ્તારમાં એક મહિલાને સરનામું પૂછવાના બહાને વાતોમાં ભેળવીને સોનાના દાગીના તથા મોબાઈલની લૂંટ ચલાવનાર બે ઈસમોને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં માણકી સર્કલથી ક્રિષ્ણા મેડિકલ પી.એચ.સી સેન્ટર સુધીના જાહેર રોડ પર બે અજાણ્યા ઈસમોએ એક મહિલાને સરનામું પૂછવાના બહાને વાતોમાં ભેળવી દીધી હતી.  

તેમણે આ મહિલા સાથે પહેરેલી સોનાની બુટ્ટી, તથા કાનની શેર તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૪૦ હજાર રૂપિયાની મત્તાની છેતરપિંડી આચરી હતી. બાદમાં મહિલાએ આ બંને ઈસમો વિરૂદ્ધ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુના સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને સંયુક્ત પોલીસ કમિશ્નર અમિત કુમાર વિશ્વકર્માએ સૂચના આપતાં તેમણે આ ગુનાની તપાસ શરુ કરી હતી.

તેમને મળેલી બાતમીને આધારે ૭મી જાન્યુઆરીએ કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે પંચો સાથે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. ઝડપાયેલ આરોપીઓ ગોપાલ ચોધરી તથા વિનોદ પરમાર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે સોનાની બુટ્ટી તથા કાનમાં પહેરવાની શેર સહિત મોબાઈલ મળીને કુલ ૩૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને સાબરમતિ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યાં હતાં.