આણંદ : વર્ષ ૨૦૧૫માં પાલિકા હસ્તેનાં નવાં બસ સ્ટેન્ડ નજીકના કમર્શિયલ સંકુલની વધારાંની જગ્યાની પાલિકાના ગત ટર્મ તથા તે અગાઉની ટર્મના કેટલાંક કાઉન્સિલરોએ ભેગાં મળી ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર નજીવી કિંમતથી લહાણી કરતાં મામલો એસીબી તથા પાલિકા કમિશનર સુધી પહોંચ્યો હતો, જેનાં પગલે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જાેકે, કોઇક કારણસર કે રાજકીય દબાણના કારણે આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હતી. હવે પાલિકામાં ચૂંટણી માથા પર છે ત્યારે એ પૂર્વ એસીબી દ્વારા ચાર્જશીટ દાખલ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતાં આ મામલામાં સંડોવાયેલાંઓને ઠંડી ચડી ગઈ છે. ખરેખર તો ટિકિટની દાવેદારી કરનારાં કેટલાંક માથાઓને કદ પ્રમાણે વેતરી નાખવાનો શકુની દાવ ખેલાયો છે.  

એક ચર્ચા અનુસાર, વર્ષ ૨૦૧૫ના જાન્યુઆરી માસમાં શહેરના જાગૃત નાગરિક દ્વારા પાલિકાના ગત ટર્મના ત્રણ અને અગાઉની ટર્મના કાઉન્સિલરો દ્વારા નવાં બસ સ્ટેન્ડ નજીકના પાલિકા હસ્તકના કમર્શિયલ સંકુલની વધારાંની જગ્યા બારોબાર નજીવી કિંમતથી લહાણી કરી દીદી હતી. પાલિકાને આર્થિક નુકસાન તથા મસમોટી હયગય કરવામાં આવી હોવાના મુદ્દે એસીબી તથા પાલિકા કમિશનર સમક્ષ પાલિકા કાઉન્સિલરો વિરુદ્ધ દાદ માગવામાં આવી હતી. તપાસ દરમિયાન એસીબી દ્વારા કાઉન્સિલરોની સંડોવણી હોવાનું બહાર આવતાં પાલિકા કમિશનરને નિયમોનુસાર કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પાલિકા કમિશનરે રૂપિયા ૨૯ લાખ ઉપરાંતના પાલિકાને થયેલાં નુકશાન મામલે સંડોવાયેલાં નેતાઓ પાસેથી સરખા હિસ્સે વસૂલવાનો આદેશ કર્યો હતો. જાેકે, પાલિકા અધિનિયમ ૩૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ચર્ચા તો એવી પણ છે કે, બીજી બાજુ પક્ષની છબિ ન ખરડાઈ એ માટે રાજકીય દબાણથી એસીબી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં ન આવે તેવો એ સમયે ખેલ રચાયો હતો. હવે આ મામલે આગામી માસમાં પાલિકાની ચૂંટણી થવાની છે ત્યારે એ પૂર્વ પાંચ વર્ષ બાદ અચાનક એસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરવા ઉચ્ચસ્તરે પરવાનગીની માગ કરવામાં આવતાં કડકડતી ઠંડીમાં રાજકીય માહોલમાં ગરમી આવી ગઈ છે. આ મામલામાં સંડોવાયેલાં મોટાં માથાઓને પરસેવો વળી ગયો છે. આ માથાઓને ખબર છે કે, ટિકિટની દાવેદારી કરી છે એટલે હવે કદ પ્રમાણે વેતરવાનો રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. સોગઠાં ગોઠવાઈ રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણી વખતે પડદા પાછળ રચાયેલાં ખેલમાં હવે સરભર કરવાનો કારસો?

એક ચર્ચા મુજબ, પાંચ વર્ષ પૂર્વે પાલિકાના ગત ટર્મના ત્રણ અને તે પૂર્વની ટર્મના અન્ય કાઉન્સિલરો દ્વારા નવાં બસસ્ટેન્ડ નજીકના પાલિકા હસ્તકના કમર્શિયલ સંકુલની વધારાની જગ્યાનો ટેન્ડર વગર બારોબાર ખેલ પાડી પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડનારા માથાઓ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જાેકે, એ સમયે એસીબી દ્વારા તપાસ હાથ ધરી હતી, પણ કોર્ટમાં ચાર્જશીટ રાજકીય દબાણ કે અન્ય કારણસર દાખલ કરી ન હતી. હવે અચાનક એસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરવાની ઉચ્ચસ્તરે પરવાનગી માગવામાં આવતાં મુદ્દો ચર્ચા ની એરણે ચઢ્યો છે. પક્ષના અંતરંગ વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ, વિધાનસભા જંગ દરમિયાન પક્ષના જ ઉમેદવારને હરાવવા આ ટોળકીએ ખેલ રચ્યો હતો. એ વખતે તેમનો દાવ હતો. હવે પક્ષના આ અગ્રણીનો દાવ આવ્યો છે. એવું કહેવાય છે કે, હિસાબ સરભર કરવા પક્ષમાંથી જ એસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરવા માગણી કરાઈ છે. હવે જાેવાનું છે કે, આ શકુની ખેલના પાસા પોબારા થાય છે કે દાવ ચૂકી જવાય છે?