અંક્લેશ્વર, તા.૧૮ 

અંકલેશ્વરમાં સતત એક સપ્તાહ થી વરસાદ વરસી રહ્યો છે , અને વરસાદ ને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. પીરામણ તેમજ ઉમરવાડા ગામ તરફ જવાનાં માર્ગ પર આમલાખાડીનાં પાણી ભરાય જતા રસ્તો બંધ થઇ ગયો હતો. અંકલેશ્વર પંથકમાં વરસાદે જમાવટ કરી છે.

તારીખ ૧૭મી ની રાત્રીએ પણ વરસાદ સતત વરસતા શહેર વિસ્તારની નીચાણવાળી સોસાયટીઓ માં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.વીત્યા ચોવીસ કલાક માં અંકલેશ્વરમાં ૧૧૪ એમએમ એટલે કે સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોસમનો વરસાદ ૭૯૦ એમએમ એટલે કે ૩૧ ઇંચ નોંધાયો હતો. જેના કારણે એશિયાડ નગર, આંબોલી માર્ગ, હાંસોટ રોડ, જલારામનગર, વાત્સલ્ય બંગ્લોઝ , શ્રીજીવીલા, યશોધરા સોસાયટીઓ સહિતની નીચાણવાળી ૮ જેટલી સોસાયટીઓ માં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અંકલેશ્વર માં સતત વરસી રહેલા વરસાદ નાં કારણે શહેર નાં મુખ્ય માર્ગો નું ધોવાણ થયુ છે. અને રસ્તાઓ ઉપર નાના મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર તાલુકા માં સતત એક સપ્તાહ થી વરસાદે જમાવટ કરી છે.