અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ખેડૂતો ખાતર અને દવાઓનો મોંઘો ખર્ચ માથે પડે તેવો ઘાટ સર્જાયો છે. મોડાસા પંથકમાં મકાઈના પાકનો ભૂંડ અને નીલગાય સોથ વાળતા ખેડૂત પરિવારો પર મુશ્કેલીઓનું વાદળ ઘેરાઈ ગયું છે. ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ જતાં પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર અરવલ્લી જિલ્લામાં વધતા જતા નીલગાય અને ભૂંડોના ત્રાસથી અરવલ્લીના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખેતીને પારાવાર નુકશાન કરી રહયા છે.બાજકોટ છાપરા ગામના હેમંતભાઈ મકવાણાના ખેતરમાં તૈયાર થયેલા મકાઈના બે એકરના ઉભા પાકને ભૂંડના ટોળાએ નિશાન બનાવી આખા ખેતરની મકાઈને એક જ રાત્રીમાં નષ્ટ કરી નાખી છે.. ખેડૂતની હાલત દયનીય બની ગઈ હતી. મોડાસાના બાજકોટ છાપરા ગામ નજીક વન વિભાગ હોવાથી ગામ લોકોએ જણાવ્યું હતું કે રાત્રી દરમ્યાન ખેડૂતોને ખેતરમાં જવા માટે ડર લાગે છે.કેમ કે ભૂંડો અને નીલગાયે અનેકવાર ખેડૂતો પર હુમલા કર્યા છે.તેથી ખેડુતોને જીવનું પણ જોખમ છે. ગામડામાં રહેતો ઓછી જમીન ધરાવતો ખેડૂત પોતાના પરિવારને બે ટંકના રોટલા માટે પાક પકવાતા હોય છે પણ હાથમાં આવેલો કોળીયો છીનવાઈ જતાં પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે એકરમાં મકાઈના ઉભા પાકને એક જ રાત્રીમાં ભૂંડોના ટોળાએ પાકને છિન્ન ભિન્ન અને નષ્ટ કરી નાખતા ખેતરની દુર્દશા જોતા ખેડૂત પરિવાર પર મુશ્કેલીઓનું વાદળ ઘેરાઈ ગયું હતું. હેમંતભાઈના ખેતરમાં થયેલા મકાઈના પાકના વિનાશ જેવા ગામના બીજા ખેડૂતોના ખેતરોમાં ન બને તે માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ કરાય તેમજ સરકાર દ્વારા ખેડૂતને કોઈ સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માંગ કરી હતી.