બાલાસિનોર, તા.૭ 

બાલાસિનોરમાં સોમવારે મોડી સાંજે એક તબીબ સહિત ચાર કેસ પોઝિટિવ મળી આવ્યાં હતાં. બીજી તરફ લુણાવાડામાં ૩ નવાં કેસ મળી આવતાં જિલ્લામાં એક જ દિવસમાં સાત વ્યક્તિઓ સંક્રમિત થયાં હતાં. આ સાથે કોરોના સંક્રમણનો જિલ્લાનો આંકડો હવે ૧૬૬ પર પહોંચી ગયો છે. સ્વસ્થ થયેલાં દર્દીઓ ૧૩૫ અને કોરોનાના કારણે બેનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય કારણસર પાંચ દર્દીના મોત થયાં હતો. જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૩૧ પર પહોંચી ગઈ છે.

મહિસાગર જિલ્લામાં તા.૬ના રોજ એક સાથે ૭ કોરોના સંક્રમિત કેસ મળતાં બાલાસિનોર જિલ્લાના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાલાસિનોર રાજપુર દરવાજા વિસ્તારના એક તબીબ સહિત ૪ અને લુણાવાડામાં ૩ મળી જિલ્લામાં કુલ સાત પોઝિટિવ મળી આવ્યાં હતાં. આ ૪ કેસનાં પગલે બાલાસિનોરમાં વધુ ૪ કન્ટેન્ટમેન્ટ ઝોન અસ્થિસ્તત્વમાં આવ્યાં છે.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને માસ્ક પહેરો : તબીબ

બાલાસિનોરના એક તબીબે જણાવ્યું હતું કે, હાલ વધી રહેલાં સંક્રમણને નાથવા માટે વધારેમાં વધારે ટેસ્ટિંગ કરવામાં આવે તે જરૂરી છે. નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક ફરજિયાત પહેરે એ હવે આજની જરૂરિયાત બની ગઈ છે.

લોકો બિનજરૂરી અવરજવર ન કરે તેવી પોલીસની અપીલ

બાલાસિનોર પોલીસે જણાવ્યું હતું કે, નગરજનો બિનજરૂરી અવર જવર ન કરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. જરૂરી હોય અને બજારમાં જવું પડે તો માસ્ક પહેરીને જ નીકળે. માસ્ક વિના નીકળતાં લોકોને દંડ કરવામાં આવશે.