વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પાંચ વિધાનસભા ક્ષેત્રમાં પાંચ સ્થળોએ વિવિધ વોર્ડને માટે પ્રદેશથી આવેલ ત્રણ ત્રણ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. તા.૨૫ અને ૨૬ એમ બે દિવસને માટે યોજાયેલ પ્રક્રિયામાં પ્રથમ દિવસે ૧૦ વોર્ડને માટે ૭૮૯એ અને બીજા દિવસે ૯ વોર્ડને માટે ૬૬૨ મળી બે દિવસમાં ૧૯ વોર્ડને માટેની ૭૬ બેઠકોને માટે કુલ ૧૪૫૧એ દાવેદારી નોંધાવી હતી. જેને લઈને પક્ષને માટે ઉમેદવારોની પસંદગીનું કામ લોઢાના ચણા ચાવવા જેવું બની રહેશે એમ પક્ષના ટોચના સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત પક્ષ દ્વારા નક્કી કરાયેલ માપદંડોમાં આવનારને જ ટીકીટ આપવામાં આવશે એમ સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું. આમ વડોદરા પાલિકાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપને માટે પસંદગી કપરી બની ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ભાજપ દ્વારા નિઝામપુરા ખાતે તા.૨૫ના રોજ ઈલેક્શન વોર્ડ ૧ અને ૨ તથા તા.૨૬ના રોજ વોર્ડ ૩ અને ૪ માટે પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને માટે ઉમેદવારી નોંધાવવા માગતા અપેક્ષિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ ૧માં ૭૦, બેમાં ૮૪, ત્રણમાં ૯૩ અને ચારમાં ૧૦૩ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આજ પ્રમાણે હરણી ખાતે તા.૨૫ના રોજ ઈલેક્શન વોર્ડ ૫ અને ૬ તથા તા.૨૬ના રોજ વોર્ડ ૭ અને ૮ માટે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ પાંચમાં ૯૫, છમાં ૧૧૫, સાતમાં ૮૦ અને આઠમાં ૫૭ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.જ્યારે જુના પાદરા રોડ ખાતે તા.૨૫ના રોજ ઈલેક્શન વોર્ડ ૯ અને ૧૦ તથા તા.૨૬ના રોજ વોર્ડ ૧૧ અને ૧૨ માટે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ નવમાં ૮૭, દશમાં ૯૦, અગિયારમાં ૭૦ અને બારમાં ૬૫ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. એજ પ્રમાણે વાઘોડિયા રોડ ખાતે તા.૨૫ના રોજ ઈલેક્શન વોર્ડ ૧૩અને ૧૪ તથા તા.૨૬ના રોજ વોર્ડ ૧૫ અને ૧૬ માટે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ તેરમાં ૬૪, ચૌદમાં ૭૦, પંદરમાં ૪૯ અને સોળમાં ૫૫ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. એ સિવાય મકરપુરા જીઆઇડીસી ખાતે તા.૨૫ના રોજ ઈલેક્શન વોર્ડ ૧૭અને ૧૮ તથા તા.૨૬ના રોજ વોર્ડ ૧૯ માટે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ સત્તરમાં ૫૪, અઢારમા ૬૦, ઓગણીસમાં ૯૦ અને સોળમાં ૫૫ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આમ તમામે તમામ ઓગણીસ વોર્ડમાં કુલ ૭૬ બેઠકોને માટે બે દિવસની સેન્સ દરમ્યાન કુલ ૧૪૫૧એ ઉમેદવારીને માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.

યાદીનો અંતિમ ર્નિણય લેવા માટે ૨૯મીથી ત્રણ દિવસ મંથન કરાશે

વડોદરા, તા.૨૭

વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ વિજય શાહ અને ભાજપના અન્ય અગ્રણીઓ દ્વારા સેન્સ લેવાને માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોને મળીને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. તેમજ પાલિકાની ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર તમામ ૧૯ વોર્ડની ૭૬ બેઠકોને માટે વિવિધ વોર્ડના દાવેદારોના સંદર્ભમાં ચર્ચા કરાઈ હતી. સરેરાશ એક વોર્ડ દીઠ ૭૬ થી ૭૭ જેટલા દાવેદારોએ પોતાનો દાવો રજુ કર્યો છે.

જેમાં પક્ષને માટે કરેલ કામગીરીનો ચિતાર રજુ કર્યો છે. આ દાવેદારોમાં સૌથી વધુ દાવેદારો વોર્ડ નંબર છ માં ૧૧૫ દાવેદારો છે. જ્યારે સૌથી ઓછા દાવેદારો વોર્ડ ૧૫માં માત્ર ૪૯ દાવેદારો છે. આ તમામ દાવેદારોમાંથી કોની પસંદગી કરવી.એને માટેનો આખરી ર્નિણય પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે. આને ૨૯મી થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન પ્રદેશ ભાજપ દ્વારા કમલં ખાતે યોજાનાર સંકલનની મિટિંગમાં ઉમેદવારોની વોર્ડવાઇઝ પસંદગીનો આખરી ર્નિણય લેવામાં આવશે. જેની પસંદગી પામેલા ઉમેદવારને જે તે યોગ્ય સમયે જાણ કરવામાં આવશે. જાે કે આ અંગેની પ્રાથમિક ચર્ચા શહેરના ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહની આગેવાનીમાં શહેરના સાંસદ, ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓએ નિરીક્ષકો સાથે કર્યાનું પક્ષના આંતરિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ આ તમામ ઉમેદવારીનો આખરી ર્નિણય પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે. જેમાં આ તમામનો અભિપ્રાય પણ ધ્યાનમાં લેવાશે.