ભુજ-

ભૂજ નગરપાલિકામાં ભાજપના શાસન વચ્ચે વિકાસના દાવાઓ અને વાતો થઈ રહી છે ત્યારે સુધરાઈ દ્વારા ટેન્કર વાટે પાણી વિતરણમાં વિપક્ષના ચૂંટાયેલા નગરસેવકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવી રહયો છે. તેમજ નગરસેવિકા સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ તથા મુખ્ય અધિકારીને રજૂઆત કરી કરાઈ છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા જો આવા બનાવો નહીં અટકે, તો નગરપાલિકા કચેરીને તાળાંબંધી કરવા સહિતનાં આક્રમક પગલાં ભરવા ની ચીમકી અપાઈ છે.


 ભુજ સુધરાઈના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં હાલના તથા પૂર્વ નગરસેવકો, પક્ષના અગ્રણીઓ દ્વારા પ્રમુખ તથા મુખ્ય અધિકારીને રજૂઆત કરાઈ હતી જેમાં જણાવાયું કે, વિપક્ષના પૂર્વ નગરસેવકોએ નોંધાવેલાં ટેન્કર 1પ દિવસ સુધી નથી પહોંચતાં અને સત્તાપક્ષના કાઉન્સિલર વચ્ચેથી ટેન્કર લઈ જવા છતાં કોઈ જ કાર્યવાહી કરાતી નથી. આ ઉપરાંત નગરસેવિકાઓ સામે ગેરવર્તણૂક, છતાં કોઈ પગલાં નથી ભરાતાં શહેરના પોશ વિસ્તાર પ્રમુખસ્વામીનગરમાં દશ-દશ દિવસ સુધી પાણી નથી અપાતું, જેથી લોકોની હાલત ખરાબ થતી હોવાનું પણ જણાવ્યું હતું. વિપક્ષ સાથે કિન્નાખોરી કોઈ કાળે નહીં સહેવાય અને જો પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં સુધરાઈને તાળાંબંધી તેમજ ઉગ્ર કાર્યક્રમો અપાશે તેવી ચીમકી આપી હતી. રજૂઆત સમયે ગની કુંભાર, ફકીરમામદ કુંભાર, નગરસેવકો કાસમ સમા, આઈસુબેન સમા, મહેબુબ પંખેરિયા, હમીદ સમા, રાજેશ ત્રિવેદી, યાકુબ ખલીફા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. નગરપાલિકાના શાસકો અને અધિકારીઓએ યોગય કરવાની ખાતરી ચોકકસ આપી હતી. જોકે એક વાત સ્પષ્ટ છે. કે ભાજપ શાસિત પાલિકામાં કોંગ્રેસના નગરસેવકો અને કોંગ્રેસ તરફી વિસ્તારોની સમસ્યા માટે આંખ આડ કાન કરાય છે.જે સર્વવિવિદ ચર્ચા છે.