અરવલ્લી/બાયડ : બાયડ શહેરના ગાબટ રોડ પર એક યુવક દારૂના નશામાં ચકચૂર બની ભાન ન રહેતા વીજડીપી પર ચઢી ગયો હતો.જેમા તેને કરંટ લાગતા એક હાથ બળીને ખાખ થઇ ગયો હતો. ગાબટ રોડ પર પાણીની ટાંકીની બાજુમાં આવેલી વીજડીપી પર નજીકમાં રહેતો રમેશ મારવાડી નામનો યુવક દારૂના નશામાં ચકનાચૂર બની ચઢી જતા એક હાથ વીજકરંટથી ખાખ થઇ ગયો હતો. નશામાં ભાન ભૂલેલા યુવકના પરિવારજનોને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.યુવક પલભરમાં વીજપ્રવાહનો ભોગ બને તેવી સ્થતિનું નિર્માણ થતા પરિવારજનોએ રોકકળ કરી મૂકી હતી .જાગૃત નાગરિકે બાયડ વીજતંત્ર વિભાગને જાણ કરતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી વીજપુરવઠો બંધ કરી યુવકને ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો હતો. યુવકનો બચાવ થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.