અરવલ્લી, બાયડ,તા.૨૩ 

અરવલ્લી જિલ્લા સહીત બાયડ શહેરમાં કોરોના વાયરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. બાયડમાં મોટાભાગના વેપારીઓ અને લોકો માસ્ક પહેરતા નથી. સોશ્યલ ડીસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું અને ધંધા-રોજગારના સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત કર્યું છે. માસ્ક ન પહેરતા લોકોને ૨૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. આ માટે પોલીસને પણ દંડ ફટકારવાની સત્તા આપવામાં આવતા અનેક જગ્યાએ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે.

બાયડ શહેરમાં દૂધની ડેરી ધરાવતા વેપારીને પીસીઆર વાન લઈ પહોંચેલી પોલીસે માસ્ક ન પહેરવા અંગે ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારતાં વેપારીએ દંડ પેટે રૂ.૧૦ અને ૫ના સિક્કા આપતાં પોલીસકર્મીઓ ગુસ્સે થયા હતા. સીક્કા લેવાનો ઇન્કાર કરી ખાખી વર્દી ગુંડાગર્દી પર ઉતરી આવી વેપારીને ભરબજારમાં ફટકારતા સનસનાટી મચી ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ ગઇ હતી. વેપારીઓમાં પોલીસની દબંગાઈ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભોગ બનનાર વેપારીએ લુખ્ખાગીરી કરનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવેતો પોલીસ સ્ટેશનમમાં આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. બાયડ શહેરમાં દૂધની ડેરી ધરાવતા દશરથભાઈ પંડિત તેમની ડેરી પર રાબેતા મુજબ કામકાજ કરી રહ્યા હતા.

દરમિયાનમાં પીસીઆર વાન તેમની ડેરી આગળ પહોંચતા દશરથભાઈએ માસ્ક પહેર્યું ન હોવાથી ૨૦૦ રૂપિયા દંડ ફટકારતા વેપારીએ કીડીઓ કરડી હોવાથી માસ્ક હાલ જ કાઢ્યું હોવાની દલીલ કરી હતી. ત્યારબાદ દંડની રકમ પેટે વેપારીએ રૂ.૫ અને ૧૦ના સિક્કા આપતા પોલીસે પિત્તો ગુમાવી દઇ વેપારીને ફટકાર્યો હતો. હવે આ મામલે વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી તપાસીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બાયડમાં દૂધની ડેરી ધરાવતા અને પોલીસકર્મીઓની દબંગઈનો ભોગ બનેલા દશરથભાઈ પંડિતના જણાવ્યા અનુસાર મારી દુકાન સામે પોલીસની ગાડી ઊભી રહી હતી. મને ત્યાં બોલાવીને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું હતું. મે જણાવ્યું હતું કે મને કીડીઓ કરડી હોવાથી માસ્ક પહેર્યું ન હતું.દંડ ભરવાની આનાકાની કર્યા બાદ મેં દંડ ભરવાની હા પાડી હતી. જે બાદમાં મેં દંડ તરીકે રૂ .૧૦ના સિક્કા આપતાં પીસીઆર વાનમાં રહેલા પોલીસકર્મીઓએ દંડની રકમ સ્વીકારવાના બદલે અચાનક મને માર માર્યો હતો. આ ઘટના મારી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ છે.