બાયડ, અરવલ્લી : અરવલ્લીમાં ટ્રક અને ડમ્પર ચાલકો બેફામ ગતિએ પસાર થતા હોવાથી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે તેમની ઝડપ અને લાપરવાહી મોતનું કારણ બનતી હોય છે. બાયડના ર્મિજા પાર્કમાં રહેતી મહિલા સવારે દૂધ લેવા જતા સત્યમ સોસાયટી નજીક રોડ બાજુમાં ઉભા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતા રોડ પર પટકાયેલ મહિલા પર ટ્રકના ટાયર ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ જતા અકસ્માતના પગલે દોડી આવેલ પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  

બાયડના ર્મિજા ફાર્મમાં રહેતા શહેનાજબેન રસીદમિયાં ચૌહાણ સવારે દૂધ લેવા નીકળ્યા હતા બાયડ-મોડાસા હાઈવે પર આવેલી સત્યમ સોસાયટી આગળ રોડ ક્રોસ કરવા ઉભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રકે અડફેટે લેતા મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ટ્રક ચાલક મહિલાને અડફેટે લઈ નાસી છૂટ્યો હતો અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં આજુબાજુથી લોકો ઉમટતા હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.અકસ્માતના પગલે પરિવારજનો દોડી આવ્યા હતા બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પુર્વરત કરાવી મૃતક મહિલાની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.