છોટાઉદેપુર 

છોટાઉદેપુર પંથક ની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી ચાલુ સાલે ઓક્ટોમ્બર માસ ની શરૂઆત થી જ પાણી વિહીન જણાઈ રહી છે. છોટાઉદેપુર પંથક ની પ્રજા સહીત મૂંગા પશુઓ નો પણ એકમાત્ર સહારો એવી ઓરસંગ નદી ચાલુ સાલે વરસાદ પૂરતા પ્રમાણ માં પડ્યો હોવા છતાં અત્યારથી જ સૂકી ભઠ નજરે ચડી રહી છે. હજુ તો શિયાળા ની પણ જમાવટ નથી થઇ ત્યાં તો ઓરસંગ નદીના પાણી અદ્રશ્ય થઇ જતા પંથકની પ્રજા ચિંતિત જણાઈ રહી છે.

ઓરસંગ નદી જાણે બોડી બામણી નું ખેતર હોય તેમ રેત માફિયાઓ દ્વારા થતા ગેરકાયદેસર રેતી ખનન ના કારણે સમગ્ર પંથક ની પ્રજાને પીવાના પાણી ની અછત નો સામનો કરવો પડે છે. ઓરસંગ છેડે ચોક આ રેત માફિયાઓના કારણે લૂંટાઈ રહી છે. જિલ્લા કલેકટરશ્રી દ્વારા વખતોવખત ઓરસંગ નદી માંથી રેતી કાઢવા અંગે જાહેરનામું હોવા છતાં રેતી ખનન રોકવામાં જિલ્લા નું ખાણ ખનીજ ખાતું નિષ્ફળ નીવડ્યું છે. ચોમાસા દરમ્યાન વિપુલ માત્રામાં પાણી આવતું હોવા છતાં ઉનાળા માં ઓરસંગ કાંઠા વિસ્તારોને પીવાના પાણી ની ખુબજ તકલીફ પડતી હોય છે. ગેરકાયદેસર રેતી ખનન ના કારણે ઓરસંગ નદીની હાલત ખુબજ દયનિય જોવા મળી રહી છે.