અમદાવાદ-

ગુજરાતમાં ૧૮થી ૪૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા લોકોનું રસીકરણ ૧ મેથી શરૂઆત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે તો ૫૫ હજાર યુવાનોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જાેકે ત્યાર બાદ ૧ મેથી છેલ્લા ૧૦ દિવસમાં વેક્સિનેશન ૫૩ ટકા જેટલું ઘટી ગયું છે, જેને પગલે મોટી-મોટી જાહેરાત સાથે ૧૮ નું વેક્સિનેશનનું અભિયાન શરૂઆતમાં ખોરંભે ચડી ગયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ૧૮ ના વેક્સિનેશનના પ્રથમ દિવસે ૫૫,૨૩૫નું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૨ અને ૩ મેના રોજ અડધોઅડધ અટલે કે ૨૫ અને ૨૭ હજાર જેટલું વેક્સિનેશન થયું હતું. ૪ મેના રોજ ૫૨,૫૨૮ યુવાનોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા ૫ દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો હતો. ૯ મેના રોજ તો માત્ર ૧૩ હજારનું જ વેક્સિનેશન થયું હતું. ત્યાર બાદ ૧૦ મેના રોજ ૨૯,૮૧૭નું વેક્સિનેશન થયું હતું. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૮થી ૪૪ની વય ધરાવતા કુલ ૩૦૯૮૫૩ લોકો દ્વારા રસી લેવામાં આવી છે.

ગુજરાતમાં ૧૦૩૨૭૫૫૬ વ્યક્તિએ પ્રથમ ડોઝ, જ્યારે ૩૨૧૪૦૭૯ વ્યક્તિએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધેલી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતિ ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે. કેન્દ્ર સરકાર તરફથી અત્યારસુધીમાં ગુજરાતને ૧૪૨૨૧૭૯૦ ડોઝ મળ્યા છે, જેમાંથી ૧.૪૯ ટકા જથ્થો વેસ્ટ થયો છે. એમાંથી વેસ્ટ થયેલા ડોઝ સહિત ૧.૩૭ કરોડનો વપરાશ થયો છે, જ્યારે ૫૦૧૩૯૬ ડોઝનું બેલેન્સ છે, જ્યારે ૮ લાખ ડોઝ આગામી સમયમાં પ્રાપ્ત થશે. આમ, ૧૩ લાખ જેટલા ડોઝની વ્યવસ્થા છે.